રાજકોટના કુવાડવા રોડ પરની લાઇફ કેર હોસ્પિટલના નકલી ડોક્ટર શ્યામ રાજાણીના ચકચારી પ્રકરણનો રેલો તેની પૂર્વ પત્ની સુધી પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી મળેલી સરકારી દવા પૈકી કેટલીક દવા મનપાની હોવાનું અને તે દવા શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા લઇ આવ્યાના પુરાવા મળતાં પોલીસે કરિશ્માની ધરપકડ કરી અન્ય દવાના જથ્થા અંગે તપાસ આગળ ધપાવી હતી.
લાઇફ કેર હોસ્પિટલ સીલ કરવામાં આવી ત્યારે હોસ્પિટલમાંથી દવાનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો અને તે તમામ દવા સરકારી હોવાનું બહાર આવ્યું હતું. મળેલા દવાના જથ્થા પૈકી કેટલીક દવા મહાનગરપાલિકાના મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી હતી અને તે દવા લાઇફ કેર હોસ્પિટલ સુધી પહોંચી હતી.
શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા અશ્વિનભાઇ ગાંધી મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને હોસ્પિટલમાંથી મળેલી દવા કરિશ્મા લાવ્યાના પુરાવા મળતાં બુધવારે કરિશ્માની ધરપકડ કરવામાં આવી હતી અને ગુરુવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જો કે કોર્ટે રિમાન્ડ આપ્યા નહોતા. લાઇફ કેર હોસ્પિટલમાંથી અન્ય સરકારી દવા પણ મળી હતી અને તે દવા સિવિલ હોસ્પિટલમાંથી આવ્યાની શંકા સેવાઇ રહી છે. શ્યામનો પિતા હેમંત રાજાણી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હોય તે દવા હેમંત લાવ્યાની પોલીસને દ્રઢ શંકા છે અને તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી હતી.