પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બ્રિજનું લોકાર્પણ કરવાની તૈયારી: મજૂરોની અછતના કારણે અન્ય 4 બ્રિજના નિર્માણ કામમાં ઢીલાશ
જુના રાજકોટ અને નવા રાજકોટને જોડતા એવા લક્ષ્મીનગર રેલવે ફાટક ખાતે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા બ્રિજનું કામ હવે પૂર્ણતા આરે હોય આવતા સપ્તાહે લક્ષ્મીનગર અન્ડરબ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. દરમિયાન કોરોનાના કારણે મજૂરો વતનમાં જતા રહ્યા હોવાથી અન્ય 4 બ્રિજનું નિર્માણકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ લક્ષ્મીનગર અન્ડરબ્રિજની મુલાકાત લીધી હતી. 25 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આ બ્રિજનો નિર્માણ કામ મોટાભાગે પૂર્ણતાના આરે છે. હવે માત્ર સામાન્ય ટચીંગ જ બાકી રહ્યું છે.
સંભવત આગામી સપ્તાહે બ્રિજને ખૂલ્લો મૂકી દેવામાં આવશે. 26મી જાન્યુઆરી નિમિતે યોજાનારા અલગ-અલગ ખાતમુહુર્ત અને લોકાપર્ણના કાર્યક્રમ દરમિયાન બ્રિજનું પણ લોકાપર્ણ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ કાલાવડ રોડ પર કેકેવી સર્કલ અને જડ્ડુસ ચોકમાં તથા 150 રીંગ રોડ પર નાનમવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે ઓવર બ્રિજ બની રહ્યા છે.
હાલ કોરોનાની ત્રીજી લહેરના કારણે કેટલાક મજૂરો સંક્રમિત થયા છે. જેના કારણે કેટલાક મજૂરો વતન જતા રહ્યા છે. જેની અસર બ્રિજના નિર્માણ કામ પર પડી રહી છે. જોઇએ તેટલી પ્રગતિ જોવા મળતી નથી.