૩૩ જિલ્લાઓના ૭ થી ૧૪ વર્ષની વય ધરાવતા અંદાજિત કુલ ૪૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનો દિપપ્રાગટ્ય વડે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં રાજયભરના ૩૩ જિલ્લાઓના ૭ થી ૧૪ વર્ષની વયની ધરાવતા અંદાજિત કુલ ૪૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં લોકનૃત્ય, એકપાત્રિય અભિનય, સમુહગીત, લગ્નગીત, ભજન, લોકગીત, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, વક્રતૃત્વ, વગેરે જેવી ૧૩ જેટલી વૈવિધ્યપૂર્ણ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિની ધરોહર વિશે જણાવતા જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન મળે છે. તેમજ તેમનું કલા-કૌશલ્ય બહાર આવે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ગુજરાતના બાળકોમાં રહેલી શિક્ષણ ઉપરાંત રમતગમત અને કલાના વિવિધ ક્ષેત્રે તેમનામાં રહેલી પ્રતિભા થકી વિશ્વુમાં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોમાં રહેલી પ્રતિભાને યોગ્ય વાતાવરણ પુરૂ પાડીને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવાનો અભિગમ રાજ્ય સરકારનો રહ્યો છે.
આ તકે વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને સિધ્ધાર્થ ગઢવીએ અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના કરી હતી. બે દિવસ ચાલનારીઆ સ્પર્ધા અન્વયે નિર્ણાયક તરીકે બિહારીદાન હેમુભાઈ ગઢવી, નયનભાઈ ભટ્ટ, યશવંતભાઈ લાંબા, અનુભા ગઢવી, શિતલબેન બારોટ સહિતના લોકો સેવાઓ આપી રહ્યા છે.આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાધેલાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં બાળ અને મહિલા વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાાધિકારી એમ.જી.વ્યાસ, જિલ્લા રમત-ગમત અધિકારી વી. પી. જાડેજા, ગ્રામ્ય રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળા સહિત વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.