248320 પ્રામાણીક કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તિજોરીમાં 143 કરોડ ઠાલવ્યા: જુનમાં 5 થી 17 ટકા સુધી વળતર
પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશનની ટેક્સ બ્રાંચ દ્વારા દર વર્ષે વેરામાં વળતર યોજના મુકવામાં આવે છે. જેમાં એપ્રિલ અને મે માસ દરમિયાન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને વેરામાં 10 થી લઈ 22 ટકા સુધી વળતર આપવામાં આવે છે. આવતીકાલે વેરા વળતર યોજનાનો છેલ્લો દિવસ છે. કરદાતાઓનો સારો એવો ધસારો જોવા મળી રહ્યો છે. જો કે હવે જાણે ટેક્સ પેયર પણ ર્સ્માટ બની ગયા હોય તેમ 1.57 લાખથી વધુ કરદાતાઓએ આંગળીના ટેરવે વેરો ભરી કોર્પોરેશનની તિજોરીમાં રૂા.83 કરોડથી પણ વધુની રકમ ઠાલવી દીધી છે. જ્યારે બીજા ક્રમે વોર્ડ ઓફિસો રહી છે.જેમાં 60,000થી વધુ કરદાતાઓએ વોર્ડ ઓફિસેથી વેરો ભર્યો છે.
ગત 7મી એપ્રીલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ સુધીમાં 2,48,320 કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં 143 કરોડ ઠાલવ્યા છે. મહાપાલિકા દ્વારા પણ 16 કરોડથી વધુનું વળતર આપવામાં આવ્યું છે. આવતીકાલથી વેરા વળતર યોજનાનો છેલ્લો દિવસ હોય મોડી સાંજ સુધી સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે વેરો સ્વીકારવામાં આવશે. જ્યારે ઓનલાઈન વેરો ભરી વળતર યોજનાનો લાભ લેનાર રાત્રે 12 વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે.