75 બાઇકર્સ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ: પ્રથમ ડબલ ડેકર બ્રિજને નિહાળવા જન મેદની ઉમટી
શહેરના કાલાવડ રોડ અને 1પ0 ફુટ રીંગ રોડ સ્થિત કે.કે.વી. ચોક સ્થિત કોર્પોરેશન દ્વારા રૂ. 1ર9 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ દેશભકિતનો માહોલ રચાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર 75 બાઇક સવારો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ડબલ ડેકર બ્રીજને નિહાળવા જન મેદની ઉમટી પડી હતી.
બાદ મેયર ડો. પ્રદીપ ડવ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને જીનિયસ સ્કુલ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના 75 બાઈક સાથે 150 યુવાનો દ્વારા કેકેવી ફ્લાયઓવર બ્રિજ પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 234.08 કરોડના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ સહિતના વિવિધ પાંચ વિકાસકામોના લોકાર્પણ કરાયા હતા. કે.કે.વી. બ્રિજના લોકાર્પણ બાદ મેયર ડો. પ્રદીપ ડવ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને જીનિયસ સ્કુલના ડી. વી. મહેતા તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના 75 બાઈક સાથે 150 યુવાનો દ્વારા કેકેવી ચોક ખાતેના ફલાયઓવર બ્રિજ પર તિરંગા યાત્રા કરવામાં આવી હતી. મેયર ડો.પ્રદીપ ડવ અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા પણ બાઇક ચલાવીને ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.