Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 27મીએ હિરાસર એરપોર્ટના લોકાર્પણ માટે આવતા હોય તેઓના હસ્તે જ કેકેવી બ્રિજ ખૂલ્લો મૂકાવાની શાસકોની ગણતરી: સીએમ ઓફિસની મંજૂરીની રાહ

શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ પાસે બ્રિજ પર બનાવવામાં આવેલા પ્રથમ એલીવેટેડ બ્રિજનું આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. જો કે, બ્રિજના ઉદ્ઘાટનની તારીખમાં ફેરફાર થવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 27મીના રોજ હિરાસર એરપોર્ટના લોકાર્પણ માટે આવી રહ્યા હોય તેઓના હસ્તે જ કેકેવી ચોક બ્રિજ ખૂલ્લો મૂકાવાની ગણતરી ચાલી રહી છે. સીએમઓમાંથી મંજૂરી મળતાની સાથે જ બ્રિજના લોકાર્પણની નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.

તાજેતરમાં મેયર ડો.પ્રદિપભાઇ ડવ દ્વારા કેકેવી ચોક બ્રિજના લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવી હતી. આગામી શનિવારે મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ગઇકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 27 અને 28 જુલાઇનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. પીએમના હસ્તે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

આવામાં કોર્પોરેશનના શાસકો અને ભાજપના સંગઠનના હોદ્ેદારોએ નવેસરથી વિચારણા શરૂ કરી છે. જેમાં બ્રિજના લોકાર્પણની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. આગામી 22મી જુલાઇના કેકેવી ચોક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા નહિંવત જણાઇ રહી છે. 27મીએ વડાપ્રધાનના હસ્તે બ્રિજ ખૂલ્લો મૂકવામાં આવે તેવું હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો કે, ટૂંક સમયમાં આ અંગે મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.