ઇન્દિરા સર્કલ પાસે મોડીરાતે સામુ જોવા જેવી સામાન્ય બાબતે થયો ઝઘડો: જસદણથી પરિક્ષા આપવા આવેલા યુવાનની હત્યા: કોર્ટ મુદતે આવેલા યુવાન ગંભીર
શહેરમાં ઉષ્ણતામાનનો પારો ઉચકાતા પોલીસને ગરમી લાગી હોય તેમ બે પોલીસમેન સહિતના શખ્સોએ જસદણથી રાજકોટ આવેલા બે યુવાન પર છરીથી હુમલો કરી એકની હત્યા કર્યાની અને એક ગંભીર રીતે ઘવાયાનું પોલીસમાં નોંધાયું છે. લોકની જાન અને માલ તેમજ મિલકત રક્ષણ કરવાના બદલે નિર્દયતાથી હત્યા કરનારને પોલીસમેન કેમ કહેવા તે પણ એક સવાલ થઇ રહ્યો છે. પોલીસમેને હત્યા કર્યાનું મોડીરાતે બહાર આવતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે. સામુ જોવા જેવી સામાન્ય બાબતે થયેલી હત્યા અને હત્યાની કોશિષની ઘટના બાદ રાતભર ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ રહેતા કુલદીપભાઇ ચાપરાજભાઇ ખવડ નામના ૨૨ વર્ષના કાઠી યુવાન અને આણંદપુરના અભીનવભાઇ શિવરાજભાઇ ખાચર નામના ૨૫ વર્ષના યુવાન રાજકોટના સરદારનગર વિસ્તારમાં રહેતા પોતાના મિત્ર દેવેન્દ્રભાઇ ઉર્ફે બાવુભાઇ ધાધલ સાથે ઇન્દિરા સર્કલ પાસે હતા ત્યારે સામુ જોવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીના કારણે પ્ર.નગર પોલીસ મથકમાં એલઆર તરીકે ફરજ બજાવતા વિજય રાયધન ડાંગર, ટ્રાફિક બ્રાન્ચમાં એલઆર તરીકે ફરજ બજાવતા હિરેન ખેરડીયા, અર્જુનસિંહ ચૌહાણ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કુલદીપભાઇ ખવડની હત્યા કર્યાની અને અભિનવભાઇ ખાચર પર ખૂની હુમલો કર્યાની મોડીરાતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે
જસદણ રહેતા અને રાજકોટમાં અભિયાસ કરતા કુલદીપભાઇ ખવડને પરિક્ષા હોવાથી તેઓ પરિક્ષા આપવા માટે આવ્યા હતા તેમને કારના સ્પેરપાર્ટની ખરીદી કરવાની હોવાથી સરદારનગરમાં રહેતા પોતાના સંબંધી દેવેન્દ્રભાઇ ધાધલને મળ્યા હતા ત્યારે આણંદપરના અભિનવભાઇ ખાચરને જસદણમાં ત્રણેક વર્ષ પહેલાં પટેલ સાથે થયેલી માથાકૂટની કોર્ટ મુદત હોવાથી તેઓ પણ રાજકોટ આવ્યા હોવાથી બધા મિત્રો ઇન્દિરા સર્કલ પાસે જમવા ગયા હતા ત્યારે ત્યાંથી પસાર થતા હીરેન ખેરડીયા અને વિજય ડાંગર સાથે સામુ જોવાના પ્રશ્ર્ને માથાકૂટ થતા સામસામે ગાળાગાળી થઇ હતી.
બંનેએ પોતાના પરિચતોને ફોન કરી એક બીજા પર હુમલો કરવાના ઇરાદે ઇન્દિરા સર્કલ પાસે બોલાવ્યા હતા. પોલીસમેન વિજય ડાંગર અને હિરેન ખેરડીયા પોતાના મિત્રો સાથે ગોલા ખાઇ રહ્યા હતા ત્યારે બંને જૂથ્થ વચ્ચે ફરી બોલાચાલી થતા છરીથી હુમલો થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કુલદીપભાઇ ખવડને છરીનો ઘા ઉંડો લાગતા ઘટના સ્થળે જ વધુ લોહી વહી ગઇ હતું જયારે ત્રણેક વર્ષ પહેલાં અભિનવભાઇ ખાચરને પટેલ સાથે થયેલી માથાકૂટ સમયે છાતીમાં છરી લાગી હતી તેઓને ત્યાં જ છરી લાગતા તેઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા. તેમ છતાં કાર લઇને બંને યુવાનો વોકહાર્ટ હોસ્પિટલ પહોચી ગયા હતા તે દરમિયાન કુલદીપભાઇનું મોત નીપજયું હતું અને અભિનવભાઇને બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયા છે. ગાંધીગ્રામ પોલીસે દેવેન્દ્રભાઇ ધાધલની ફરિયાદ પરથી અર્જુનસિંહ ચૌહાણ, પોલીસમેન હીરેન ખેરડીયા, વિજય ડાંગર અને ચાર અજાણ્યા શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
હત્યા પૂર્વે બંને પક્ષે પોતાના પરિચત યશપાલભાઇ નામની વ્યક્તિ સાથે ટેલિફોનીક વાતચીત થયાનું અને તેઓ બંને પક્ષે સમાધાન કરાવવા આવે તે પહેલાં જ છરીથી હુમલો થતા હત્યા થયાનું બહાર આવ્યું છે. હત્યામાં બંને પોલીસની સંડોવણી બહાર આવી છે ત્યારે તેઓ કાયદાના જાણકાર હોવા છતાં પોતાની પાસે છરી કેમ રાખી અને હત્યા કરી હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે મોડીરાતે દોડી ગયા હતા અને ઝીણવટભરી તપાસ હાથધરી છે. મૃતક કુલદીપભાઇ ખવડની સગાઇ થઇ ગઇ હોવાનું અને પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે તેમના દિવાળી બાદ લગ્ન હોવાનું તેમજ ગંભીર રીતે ઘવાયેલા અભિનવભાઇ ખાચરના દોઢેક માસ પહેલાં જ લગ્ન થયા હોવાનું જાણવા મળે છે.
સામાન્ય બાબતે કાઠી યુવાનની થયેલી હત્યાના પગલે કાઠી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા સિવિલ હોસ્પિટલ ખાતે કાઠી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા પોલીસમેન સહિતના શખ્સોને તાકીદે ઝડપી લેવા ઉગ્ર માગ કરી છે.