રૂ.૧૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ૫૮ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં
ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા સમગ્ર વિશ્વમાં વખણાઈ છે. જેના મીઠા ફળ પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ ચાખી રહ્યાં છે. આંકડા અનુસાર રૂ.૧૦૦૦ કરોડથી વધુ સંપતિ ધરાવતા ૫૮ ગુજરાતી એકલા ગુજરાતમાં જ છે. ગુજરાતમાં વસતા ૫૮ ઉદ્યોગપતિઓ પાસે રૂ.૧૦૦૦ કરોડથી વધુની સંપતિ છે તેવું બારકલેય હુરુન ઈન્ડિયા રીચ લીસ્ટના આંકડા પરથી ફલીત થાય છે.
કુલ ૫૮ અબજપતિમાંથી ૪૯ અબજપતિઓ અમદાવાદના છે જયારે રાજકોટના અબજપતિની સંખ્યા ૫ છે ત્યારબાદ સુરત અને વડોદરાનો નંબર આવે છે. આ બન્ને મોટા શહેરોમાં અબજપતિઓની સંખ્યા અનુક્રમે ૩ અને ૧ છે. રાજયની દ્રષ્ટીએ જોઈએ તો મહારાષ્ટ્રનો ક્રમ સૌથી પ્રથમ છે.
મહારાષ્ટ્રમાં રૂ.૧૦૦૦ કરોડથી વધુ સંપતિ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા ૨૭૧ છે. જેમની પાસે રૂ.૨૧.૧૪ લાખ કરોડ જેવી માતબર સંપતિ છે. ત્યારબાદ ૧૬૩ અબજોપતિ સાથે દિલ્હી અને ૭૨ અબજોપતિ સાથે કર્ણાટકનો નંબર આવે છે. બન્ને રાજયોમાં અબજોપતિઓ પાસે અનુક્રમે ૬.૭ લાખ કરોડ અને ૩.૪૯ લાખ કરોડ જેટલી સંપતિ છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગુજરાતના અબજોપતિની યાદીમાં રૂ.૭૧૨૦૦ કરોડ સાથે ટોચના ક્રમે છે. ત્યારબાદ ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ (૩૨૧૦૦ કરોડ), એઆઈએ એન્જીનીયરીંગના ભદ્રેશ શાહ (૯૭૦૦ કરોડ) સહિતનાનો સમાવેશ અબજોપતિની યાદીમાં થાય છે.
આ ઉપરાંત કરશનભાઈ પટેલ (૯૬૦૦ કરોડ) તેમજ ટોરેન્ટ ગ્રુપના સમીર અને સુધીર મહેતા (દરેકને ૮૩૦૦ કરોડ)નો સમાવેશ પણ થાય છે. આ યાદીમાં ૧૦ મહિલાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.