આત્મીય યુનિવર્સિટી ખાતે ક્લાઈમેટ ફ્રેન્ડલી પોર્ટ વિષય તજજ્ઞોએ આપ્યા ચાવીરૂપ પ્રવચનો
ક્લાઈમેટ ચેન્જ વિભાગ અને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ક્લાઈમેટ ફ્રેન્ડલી પોર્ટ વિષય પર પરિસંવાદ(રાઉન્ડ ટેબલ ડિસ્કશન) યોજાયો હતો.વર્તમાન સમયમાં જ્યારે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સંબંધી સમસ્યાઓ પર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. ત્યારે વિશ્વ વ્યાપારના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા બંદરનું નિર્માણ અને સંચાલન પર્યાવરણને અનુકૂળ રીતે થાય અને બંદરોના સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધતા કેળવાય તે માટે ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ અને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા ક્લાઈમેટ ફ્રેન્ડલી પોર્ટ વિષય પર રાઉન્ડ ટેબલ ડિસ્કશન આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સંયુક્ત સચિવ બીપીન તલાટીએ ક્લાઈમેટ ચેન્જની પોર્ટ પર થતી અસર અને ગુજરાત સરકારની ગ્લાસગો ટાર્ગેટને એચિવ કરવા માટેની યોજનાઓની માહિતી આપી હતી. ઉપરાંત, કચ્છના રણમાં 30,000 મેગા વોટનો રિન્યુએબલ હાઇબ્રીડ ઇલેક્ટ્રિસિટી જનરેશન પાર્ક બનવા જઈ રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું. પંચામૃત ફોર ક્લાઇમેટ ચેન્જના શ્વેતલ શાહએ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત થઈ રહેલા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી અને બંદરોના ગુજરાતના વિકાસમાં રહેલા યોગદાન વિશે માહિતી આપી હતી. બ્લુ ઈકોનોમીના નિષ્ણાંત અનુપ મુદગલએ ક્લાયમેટ ચેન્જની પોર્ટ ઉપર થતી અસર અને પોર્ટને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે ક્લાઇમેટ ફ્રેન્ડલી બનાવી શકાય તેના પર માર્ગદર્શન આપ્યું હતું. નાયરા એનર્જીના વાઈસ પ્રેસિડન્ટે કંપનીમાં પર્યાવરણ જાળવણી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે માહિતી આપી હતી.આ ચર્ચામાં મરીન વિભાગના કેપ્ટન આલોક મિશ્રાએ ઇકોનોમી માટે શિપિંગનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે 95 ટકા વેપાર સમુદ્ર મારફત થાય છે આથી તેમાં પર્યાવરણનું ધ્યાન રખાય તે જરૂરી છે.આ કાર્યક્રમમાં જીએમબીના પોર્ટ ઓફિસર કેપ્ટન બન્શીવા લાડવા, જામનગરના એડિશનલ કમિશનર ઓફ કસ્ટમ મનીષકુમાર ચાવડા, અને એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને બિઝનેસ ક્ધસલ્ટન્ટોએ ભાગ લીધો હતો.