106 ગ્રાહકોના વાહનોની સર્વિસના રોકડા લઈ પોતાના ખિસ્સામાં નાખી દીધા : તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં ભાગોળે મોટા મોવા નજીક આવેલા કટારિયા ઓટોમોબાઇલ્સ પ્રા.લી.નામના શોરૂમમાં નોકરી કરતા કેશિયરે બે મહિનામાં 106 વાહન માલિકો પાસેથી રૂ.10,71,661 ઉઘરાવી લઇ તે રકમ પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે પોતાના ખિસ્સામાં નાખી નાસી જતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
બનાવની વિગતો મુજબ કટારિયા ઓટોમોબાઇલ્સમાં મેનેજર તરીકે નોકરી કરતાં મેહુલભાઇ જયંતીભાઇ ચૌહાણે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પેઢીના કેશિયર રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતા વિનોદ નરેશ ચાવડાનું નામ આપ્યું હતું.જેમાં મેહુલભાઇએ જણાવ્યું હતું કે, વિનોદ ચાવડાની શોરૂમમાં 13 ડિસેમ્બર 2021ના કેશિયર તરીકે નિમણૂક થઇ હતી, શોરૂમમાં સર્વિસ માટે તેમજ અકસ્માતગ્રસ્ત કાર રિપેરિંગ માટે આવે તે કારના માલિક પાસેથી ખર્ચની રકમ વસૂલી કારને ગેટ પાસ આપવાની જવાબદારી કેશિયર ચાવડાની હતી, ચાવડાએ ગ્રાહકો પાસેથી આવેલી રકમ બીજા દિવસે પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેતી હતી.
ઓક્ટોબર મહિનામાં પેઢીની અમદાવાદ ઓફિસમાંથી રાજકોટની બ્રાંચને જાણ કરવામાં આવી હતી કે, શોરૂમના વર્કશોપની હિસાબની રકમમાં ગોટાળા જણાઇ રહ્યા છે અને અમદાવાદથી આવેલા ઓડિટર અને કેશિયર વિનોદ ચાવડાએ હિસાબો કરતાં વિનોદ ચાવડાએ 1 ઓગસ્ટ 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધીમાં 106 વાહનમાલિકો પાસેથી રૂ.10,71,661 ઉઘરાવી તે રકમ પેઢીના બેંક ખાતામાં જમા નહી કરાવી પોતે પચાવી ગયો હતો, આ મામલે વિનોદ ચાવડાએ જે તે સમયે પોતાની જવાબદારી સ્વીકારી ત્રણ દિવસમાં ઉપરોક્ત રકમ પેઢીના બેંક ખાતામાં જમા કરાવી દેવાની ખાતરી આપીને ભાગી જતાં તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.