ઉદયભાઇ ગાંધી નામના આસામીએ ગેરકાયદે ખડકેલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં જીજ્ઞેશ ગણાત્રા નામના વ્યક્તિએ માર્જીનમાં ખડકેલું દબાણનો સફાયો
કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.10માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર અને પંચાયતનગર ચોક વિસ્તારમાં ડિમોલીશન હાથ ધર્યું હતું. જેમાં માર્જીનમાં ખડકાયેલી દુકાન સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશ અનુસાર વોર્ડ નં.10માં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.10માં જીજ્ઞેશભાઇ ગણાત્રા નામના વ્યક્તિએ માર્જીનની જગ્યાના ભાગમાં ગેરકાયદે પોર્ચનું બાંધકામ કરી લીધું હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપીનો કાફલો યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોકમાં ત્રાટક્યો હતો. અહીં માતૃમંદિર કોલેજવાળા રોડ પર પંચાયતનગર શેરી નં.2ના ખૂણે ઉદયભાઇ ગાંધી નામના વ્યક્તિએ માર્જીનની જગ્યામાં ચાર દુકાનોનું બાંધકામ ખડકી દીધું હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ડિમોલીશન હાથ ધરવામાં આવતું હોતું નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ નિયમનો ગેરલાભ ઉઠાવતો હોય તેવા સંજોગોમાં ડિમોલીશન કરવામાં આવે છે.