ખૂદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ શાખાની જનરલ બોર્ડમાં કબૂલાત: ગેરકાયદે બાંધકામોને માત્ર નોટિસ આપી મન મનાવી લીધું
શહેરના વોર્ડ નં.15માં આવેલા કે.પી.ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 105 જેટલા ગેરકાયદે બાંધકામો ખડકાયા હોવાની કબૂલાત ખૂદ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જનરલ બોર્ડમાં કરવામાં આવી છે. ટીપી શાખાએ માત્ર નોટિસ આપીને મન મનાવી લીધું છે. અન્ય કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ત્રણ મહિના પહેલા ડિમોલીશન મોકૂફ રખાયા બાદ હજુ ગેરકાયદે બાંધકામો અડીખમ ઉભા છે.
વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન પૂછ્યો હતો કે વોર્ડ નં.15માં કે.પી.ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 1 જુલાઇની સ્થિતિએ કેટલા ગેરકાયદે બાંધકામો ઉભા છે. જેના જવાબમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે કે આજની તારીખે કે.પી.ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 105 ગેરકાયદે બાંધકામો ઉભા છે. કોર્પોરેશન દ્વારા શું કામગીરી કરવામાં આવી તેવા સવાલના જવાબમાં જણાવ્યું છે કે તમામ બાંધકામોને જીપીએમસી એક્ટ-1949 હેઠળ કાર્યવાહી ધરી કલમ-260 (1)ની નોટિસ આપી મનાઇ હુકમ આપવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફી હેઠળ કેટલી અરજીઓ આવી છે તેની માહિતી આપતા ટીપી શાખા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં અનિયમિત બાંધકામોને નિયમિત કરાવવા માટે માત્ર 12 અરજીઓ આવી છે.
જે પૈકી એકપણ અરજીનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી કે એકપણ અરજી નામંજૂર કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.15માં આવેલા કે.પી.ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવા માટે આજથી ત્રણ મહિના પહેલા ડિમોલીશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કોઇ કારણોસર ડિમોલીશન પર બ્રેક લાગી જવા પામી હતી. ક્યાં કારણોસર છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવતું નથી. તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. ટીપી શાખા માત્ર નોટિસ આપીને સંતોષ અનુભવી લે છે.