પગમાં ફ્રેક્ચર થતા સિવિલ આવ્યા, કોરોના હોઈ સિવિલમાં દાખલ કરી આપી
વધારાની સારવાર
રાજકોટની ભાગોળે ખંઢેરી પાસેના નવા નારાણકા ગામના માજી જમકુબેન જાદવજીભાઈ કોઈ કામ કરતા પડી ગયા, પગમાં ફ્રેક્ચર આવતા તેમના પુત્ર નાનજીભાઈ માડીને રાજકોટ સિવિલમા દેખાડવા આવ્યા, સિવિલ દ્વારા તેમના એક્સરે ફોટો વગેરે પાડવામાં આવ્યા, આ દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ આવતા તેઓને સિવિલના કોવીડ વિભાગમાં દાખલ કરી આપ્યા.
માજીને કોરોના થયો તેમ ખબર પણ નઈ, થોડા દિવસમાં તો સારું થઈ જતા તેમને કેન્સર હોસ્પિટલના કોવીડ સેન્ટર પર શિફ્ટ કરાયા. માડીને ધૂનભજનનો શોખ. સેન્ટર પર સવારે ભજન વગાડવામાં આવે એટલે જમકુબેનને મોજ પડી જાય. બેડ પર સુતા સુતા બંને હાથે કિરપાણ વગાડતા હોઈ તેમ મસ્તીમાં હાથ હલાવે ને ભજનનો આનંદ લે. ને માડીને ભાવતા ભોજનિયાં મળી રહે… બીજા પાંચ દિવસમાં બા સ્વસ્થ થઈ ગયાનો ફોન આવતા આજે અમે હવે માજીને ઘરે લઈ જઈએ છીએ તેમ નાનજીભાઈ જણાવે છે.
કોઈ તકલીફ વગર બા ને કોરોનાની સારી સારવાર મળી, ઓપરેશન તો અમે હવે પછી કરાવી લેશુ પણ બા પરની ઘાત ટળી એ બદલ અમે સૌ ડોક્ટર અને સ્ટાફનો ખુબ આભાર માનીએ છીએ તેમ ખુશખુશાલ ખેડૂત પુત્ર નાનજીભાઈ જણાવે છે. રાજકોટ સિવિલ ની કોવીડ હોસ્પિટલ અને તેને સંલગ્ન કેર સેન્ટર દર્દીઓને કોરોના મુક્ત કરવાની કામગીરી અવિરતપણે કરી રહી છે, ત્યારે અનેક જિંદગી મોતને તાળી આપી પરિવાર સાથે નવજીવન જીવન માણી રહી છે. કેન્સર હોસ્પિટલના કોવીડ સેન્ટરના મેડીકલ સુપ્રી.ડો. અંજનાબેન ત્રિવેદી દેખરેખ રાખી રહ્યા છે.