મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા નોંધાતો ગુનો
શહેરમાં રૈયા ગામમાં રહેતા અને રાજકોટ રૂરલ પોલીસમાં જમાદાર તરીકે ફરજ બજાવતા હબીબ બેલીમના પુત્રએ પાડોશમાં રહેતી મહિલાની કારના કાચ ફોડી નાખી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી,તેના પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.વિગતો મુજબ રૈયા ગામમાં રહેતા લક્ષ્મીબેન પ્રફુલભાઈ પરમાર એવી ફરિયાદ નોંધાવી છે કે પાડોશમાં રહેતો આસિફ હબીબ બેલીમ અવારનવાર નજીવી બાબતે ઝગડા કરતો હતો.
અઢી માસ પહેલા તેની ઇકો કારનો કાચ તોડી નાખ્યો હતો. જોકે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી.ગઇકાલે સવારે ઘરે આવી તેને બેફામ ગાળો ભાંડ્યા બાદ પથ્થર લઇ ઘર પાસે પાર્ક કરેલી ઇકો કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યો હતો. એમ પણ કહ્યું કે
મારા પિતા પોલીસમાં છે, એટલે બધી પોલીસ મને ઓળખે છે, તમે કાંઇ નહીં કરી શકો, કાંઇ કરીશ તો તારા છોકરાને છરીના ઘાઝીંકી જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.તેવામાં આસિફના પિતા હબીબભાઈ ત્યાં આવી પહોચ્યા હતા. જેના ડરથી આસિફ ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.