જુદી જુદી બ્રાન્ચમાં 2000, 500, 200 અને 100ના દરની 470 જાલીનોટ ભરણામાં આવી: એસઓજી દ્વારા તપાસ
શહેરની એક્સિસ બેન્કની જુદી જુદી બ્રાન્ચના ભરણામાં છેલ્લા દસ માસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની 470 જાલીનોટ ધાબડી દીધાની બેન્ક મેનેજર દ્વારા યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર વર્ધમાનનગરમાં રંગોલી બંગ્લોઝમાં રહેતા અને એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઇ ત્રિલોકભાઇ શુકલએ સપ્ટેમ્બર 2022 થી જુલાઇ 2023 દરમિયાન દસ માસમાં જુદા જુદા દરની રુા.2,59,500ની જાલીનોટ ભરણામાં આવ્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
એક્સિસ બેન્કની જુદી જુદી બ્રાન્ચમાં દસ માસ દરમિયાન 2000ના દરની 75, 500ના દરની 155, 200ના દરની 83, 100ના દરની 151 અને 50ના દરની છ મળી કુલ 470 જાલીનોટ ભરણામાં આવી હતી તે તમામ નોટ અંગે રિર્ઝવ બેન્કમાં મોકલવામાં આવ્યા બાદ રિર્ઝવ બેન્કના અભિપ્રાય બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, એએસઆઇ ડી.બી.ખેર, હાર્દિકસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ ઝાલા અને કિશોરભાઇ ઘુઘલ સહિતના સ્ટાફે જાલીનોટ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.