• પરિવાર ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે દર્શનાર્થે ગયો’તો : ચોરીને અંજામ આપનારા તસ્કરને સુરત પોલીસે ઝડપી લીધો

રાજકોટમાં તસ્કરોના તરખાટનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તસ્કરોએ જેલ કર્મચારીના રહેણાંક મકાનમાં ત્રાટકી 13 તોલા સોના સહીત રૂ. 4.98 લાખની મતાની ઉઠાંતરી કરી છે. જેલ કર્મચારી પરીવાર સાથે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે દર્શનાર્થે ગયાં હતા દરમિયાન તસ્કરએ ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યુ છે. મામલામાં ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં તસ્કરોએ ઉપાડો લેવાનું ચાલુ જ રાખ્યું છે. થોડા દિવસ પહેલા સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સંજય વાટીકામાં બંધ મકાનમાં થયેલી સાવ તેર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના નેમીનાથ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. મધ્યસ્થ જેલના સિનીયર ક્લાર્ક પરિવારજનો સાથે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયા હોય રેઢા મકાનમાં ત્રાટકી રૂ. 4.98 લાખની રોકડ-દાગીનાની મત્તા ઉસેડી ગયા છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઇકાલે વહેલી સવારે એક ચોર ઘરમાંથી નીકળ્યાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયુ હતું. બીજી તરફ રાતે જ આ ચોર સુરતમાં મુદ્દામાલ સાથે પકડાઇ ગયાની વિગતો સામે આવતા ઘરધણીએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, હજુ આ બાબતે સત્તાવાર કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સત્યનારાયણ પાર્ક ગેઇટ નં-3 સામે નેમીનાથ સોસાયટી એ-41 ‘મહંતમ્’ ખાતે રહેતાં અને રાજકોટ મધ્યસ્થ જેલમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ચંદ્રકાંતભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.56)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ગઇકાલે 15મીએ વહેલી સવારે એક તસ્કર ચોરી કરીને ભાગતો નજરે પડયો હતો. તેના આધારે તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન આ તસ્કર સુરત પોલીસના હાથે ગત સાંજે જ મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો. જો કે રાજકોટ પોલીસે હજુ આ આરોપીનો સત્તાવાર કબ્જો મેળવ્યો નથી.

ચંદ્રકાંતભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે બે પુત્ર અને પત્નિ સાથે રહે છે. તા. 12/4ના રોજ સાંજે પાંચેક વાગ્યે પતિ-પત્નિ, બંને પુત્રો અને બંને પુત્રવધૂ એમ બધા પરિવારજનો ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ઘરને તાળા મારીને ગયા હતાં. ગઇકાલે 15મીએ સાંજે સાડા ચારેક વાગ્યે બધા પરત રાજકોટ આવ્યા હતાં. જયારે મુખ્ય દરવાજાનું તાળુ હેમખેમ હતું. જે ખોલીને અંદર જતાં બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો જેથી ચોરી થયાની ખબર પડી હતી.

ચંદ્રકાંતભાઇએ વધુમાં કહ્યું હતું કે અમે તપાસ કરતાં નીચેના બે રૂમના ત્રણ કબાટ અને ઉપરના બે રૂમના ત્રણ કબાટ ખુલ્લા દેખાયા હતાં અને બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આથી મારા પુત્ર આકાશે પોલીસને જાણ કરી હતી. અમે તપાસ કરતા જુદા જુદા કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને પ0 હજાર રોકડા મળી કુલ રૂા. 4,98,000ની માલમત્તા ગાયબ જણાઇ હતી.

તસ્કરો સોનાનું મંગલસુત્ર 90 હજારનું, સોનાનુ નાનુ મંગલસુત્ર 30 હજારનું, સોનાનુ તનમનીયુ 15 હજારનું, સોનાની બે વીંટીઓ 15 હજારની, બ્રેસલેટ બે નંગ રૂ. 90 હજારના, બુટી ત્રણ જોડી રૂ. 60 હજારની, સોનાની કડલી રૂ. 90 હજારની, ચાંદીના દાગીના 250 ગ્રામના આશરે 10 હજારના, ટાઇટન કંપનીની ઘડીયાળ 8 નંગ 8 હજારની, ડેલ કંપનીનું 20 હજારનું લેપટોપ, સોની કંપનીનો ડીએસએલઆર કેમેરો રૂ. 20 હજારનો અને રોકડા 50 હજાર ચોરી ગયા હતાં.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એસ. બી. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે દોડી જઇ ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદથી કાર્યવાહી કરી હતી અને ચંદ્રકાંતભાઇ પરમારની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. સીસીટીવી કેમેરા તપાસ કરતાં ચોર મકાનની પાછળના ભાગના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી ચોરી કરી આગળના દરવાજાની વંડી ટપી વંડી નજીક રાખેલી કાર પર પગ દઇ નીચે ઉતરી ભાગી ગયાનું જણાયું હતું.ગાંધીગ્રામ પોલીસે ફૂટેજ ચકાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યાં બીજી તરફ સુરત પોલીસે એક તસ્કરને દબોચી લીધો હતો. જેણે રાજકોટમાં ચોરી કરીને આવ્યાનું કબુલતાં સુરત પોલીસે ઘરધણીને ચોર પકડાઇ ગયાની જાણ કરી હતી.

રેલનગરના અમૃત રેસીડેન્સી સ્થિત રહેણાંક મકાનમાંથી રૂ. 30 હજારની ચોરી

રેલનગર અમૃત રેસીડેન્સી-3 બ્લોક નં. 29માં રહેતાં  અને નિવૃત જીવન જીવતાં ઘનશ્યામભાઇ ચતુરભાઇ કાલીયા (ઉ.વ.60)ના ઘરમાં ચોરી થયાની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. એસ. ભગોરા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. ઘનશ્યામભાઇના કહેવા મુજબ તેના પત્નિ તા. 9ના રોજ ટ્રેનમાં બેસી માઉન્ટ આબુ ઓમ શાંતિની શીબીરમાં ગયા હતાં. પોતે 10મીએ ઘરને લોક કરી વાંકાનેર ભાટીયા સોસાયટીના જુના મકાને ગયા હતાં. ગઇકાલે પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. તસ્કરો ઘરમાંથી સોનાનુ મંગળસુત્ર અને ચાંદીની જાંજરી મળી રૂ. 30 હજારની મત્તા ચોરી ગયા હતાં. પીઆઇ બી. એમ. ભાર્ગવની રાહબરીમાં તપાસ શરૂ થઇ હતી. દરમિયાન ઘનશ્યામભાઇના પત્નિ બહારગામથી પરત આવતાં ખબર પડી હતી કે જે વસ્તુ ચોરી થયાનું જણાવાયું હતું તે ઘરમાંથી જ મળી ગઇ છે. તસ્કરોએ તાળા તોડી ખાખાખોળા કર્યા હતાં પણ મોટી મત્તા હાથ લાગી નહોતી.

ચોરી કરી ઘરની બહાર નીકળતા એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

જેલ કર્મચારીના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપીને તસ્કર દરવાજેથી નાસી છૂટ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. સીસીટીવી કેમેરા તપાસ કરતાં ચોર મકાનની પાછળના ભાગના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી ચોરી કરી આગળના દરવાજાની વંડી ટપી વંડી નજીક રાખેલી કાર પર પગ દઇ નીચે ઉતરી ભાગી ગયાનું જણાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.