લેબર કોન્ટ્રાકટરોને ત્યાં સર્વે દરમિયાન ર૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો ખુલ્યાં
રાજકોટ આવકવેરા વિભાગે નવા નાણાકીય વર્ષના બીજા જ દિવસે સર્ચ સર્વે કામગીરીનો ધમધમાટ શરુ કર્યો છે ત્યારે ગઇકાલે રાજકોટમાં લેબર કોન્ટ્રાકટોને ત્યાં આવકવેરાનો સર્વે હાથ ધર્યો હતો જેની તપાસ હજુ સુધી ચાલુ છે.
સર્વે દરમ્યાન આશિષ ટાંક સહીતના કોન્ટ્રાકટરોના નામ ખુલતા કરચોરીમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટના ભાનુ કોન્કીટ અને એકયુરેટ બિલ્ડકોનના કોન્ટ્રાકટરો પાસેથી અત્યાર સુધીમાં ર૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો ખુલ્યાં છે. અને હજુ વધુ દસ્તાવેજોની ચકાસણીને આધારે કરચોરી બહાર આવવાની શકયતા છે.
રાજકોટ આઇ.ટી. વીંગના કમિશ્નર રાજેશ મહાજનના માર્ગદર્શન તળે જુદી જુદી ટીમોએ ભાનુ કોન્કીટ અને એકયુરેટ બિલ્ડકોનના કોન્ટ્રાકટરોને ત્યાં દરોડા પાડયા છે. અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ આઇ.ટી. વિભાગે ડેકોરા ગ્રુપ સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ હાથ ધરી બેનામી દસ્તાવેજો કબ્જે કર્યા હતા. જે કાર્યવાહી આગળ ચલાવી છે. અને આશિષ ટાંક અને અશ્ર્વિન રંગાણીને આ સર્વે કરાયો છે. ગઇકાલ સાંજથી શરુ થયેલી તપાસનો ધમધમાટ મોડી રાત્રી સુધી ચાલ્યો હતો અને હજુ પણ શંકાસ્પદ દસ્તાવેજો સાહિત્ય ખુલી રહ્યું છે. ડેકોરા ગ્રુપના કોન્ટ્રાકટરોની ઓફીસોમાંથી તપાસ દરમ્યાન ખુલેલી સાઇટ પર ઓપરેશન હાથ ધરાયું છે. કોન્ટ્રાકટરોને ત્યાં આઇ.ટી. ના મેગા સર્ચ ઓપરેશનથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.