ટુરિઝમ વિભાગે શહેરના મિનિ હિલ સ્ટેશનને ડેવલોપ કરવા રસ દાખવ્યો
રાજકોટની ભાગોળે આવેલા મીની હિલસ્ટેશન તરીકે જાણીતા ઈશ્વરીયા પાર્કને ડેવલોપ કરીને તેનું સંચાલન સંભાળવાની ટુરિઝમ વિભાગે ઈચ્છા દર્શાવી છે. જે સંદર્ભે કાર્યવાહી હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનું સંચાલન ટુરિઝમ વિભાગ સંભાળી લ્યે તેવી શકયતા સેવાઈ રહી છે.
રાજકોટની ભાગોળે શહેરીજનોની સાથે બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષકનું કેન્દ્ર ઇશ્વરિયાપાર્ક પીકનીક પોઇન્ટને વધુ આકર્ષક બનાવવા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ કમર કસી રહ્યા છે. જો કે આ પાર્કના ડેવલોપમેન્ટ માટે જિલ્લા કલેક્ટર તંત્ર તૈયારી હાથ ધરી રહ્યું હતું. તેવામાં સૂત્રોના જણાવ્યા અનુસાર ટુરિઝમ વિભાગે ઈશ્વરીયા પાર્કનું સંચાલન સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર કચેરીને પત્ર પણ લખ્યો છે. બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ કલેક્ટર તંત્ર પણ જમીન કલેક્ટર તંત્ર હસ્તક રહે અને સંચાલન ટુરિઝમ વિભાગ સંભાળે તે દિશામાં આગળ વધી રહ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર જો ટુરિઝમ વિભાગ ઈશ્વરીયા પાર્કનું સંચાલન સંભાળશે તો તે અહીં મોટું રોકાણ કરીને અનેક આકર્ષણ ઉભા કરશે. અહીં ફૂડ કોર્ટ, રાઈડ્સ અને અન્ય અનેક એવા આકર્ષણો ઉભા કરશે. આમ ટુરિઝમ વિભાગ જો સંચાલન સંભાળશે તો ઈશ્વરીયા પાર્કની રોનકને ચાર ચાંદ લાગી જશે. ઇશ્વરિયાપાર્કના મેઇન્ટેનન્સનો માસિક ખર્ચ ચાર લાખથી સાડા ચાર લાખ જેટલો આવે છે.