જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનું નીતિ આયોગ, વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પ્રેઝન્ટેશન
નીતિ આયોગ અને વડાપ્રધાન કાર્યાલયસાથે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરોની વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાંથી રાજ્યના આયોજનના સચિવ રાકેશ શંકર તથા રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં આયોજન સચિવ રાકેશ શંકર દ્વારા ગુજરાત રાજ્ય તરફથી ‘જિલ્લો: વિકાસના આધારબિંદુ’ એ વિષય પર પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું.
જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ‘રાજકોટમાં આર્થિક આયોજનના સાધન તરીકે પીએમ ગતિશક્તિ પોર્ટલનો ઉપયોગ’ એ વિષય પર પ્રેઝેટેન્શન રજૂ કર્યું હતું. જેમાં રાજકોટ જિલ્લામાં વિકાસને વેગ આપનારા મહત્ત્વપૂર્ણ પ્રકલ્પો જેમ કે હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ,રાજકોટ એઈમ્સ,ખંઢેરી પાસેના અમૂલ પ્રોજેક્ટ,જી.આઈ.ડી.સી.,રાજકોટ કાનાલૂસ પ્રોજેક્ટ,જનઆરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીઓના કાર્યને ગતિ આપવા માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે,તેની રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ એ દેશનો એવો પહેલો જિલ્લો છે,જે વિવિધ પ્રકલ્પોના સંચાલન માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો પ્રભાવશાળી રીતે ઉપયોગ કરે છે,એમ જણાવાયું હતું.
આ વર્ચ્યુઅલ બેઠક કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લા કલેક્ટર્સ,મ્યુનિસિપલ કમિશનર્સ,જિલ્લા પરિષદના તમામ સી.ઈ.ઓ.,રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, રાજકોટના પ્રાંત અધિકારી સંદીપ વર્મા તેમજ વિવેક ટાંક હાજર રહ્યા હતા.