રાજ્યની 27 જિલ્લાની 430 ખાનગી અને 4177 પ્રાથમિક શાળામાં મેદાન ન હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. 27 જિલ્લાની 4 સરકારી અને 68 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મેદાન વગર કાર્યરત છે. જો કે, રાજકોટ જિલ્લાની 1176 સ્કૂલોમાંથી ફક્ત 19 સ્કૂલો જ એવી છે કે જેની પાસે મેદાન નથી અને બીજી એવી સ્કૂલો છે કે જે પોતાની સ્કૂલની આજુબાજુના મેદાન ભાડે રાખી બાળકોને ખેલકુદમાં આગળ કરાવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં 47, અમરેલીમાં 63, આણંદમાં 255, અરવલ્લીમાં 288, વડોદરામાં 305, વલસાડમાં 393, છોટા ઉદેપુરમાં 516, દાહોદમાં 296, ડાંગમાં 217, દ્વારકામાં 256, સુરતમાં 210, તાપીમાં 121, કચ્છમાં 315, ખેડામાં 276, મહિસાગરમાં 444, મહેસાણામાં 94, બનાસકાંઠામાં 835, ભરૂચમાં 439, ભાવનગરમાં 427, બોટાદમાં 67, મોરબીમાં 184, નવસારીમાં 506 અને પંચમહાલમાં 588 શાળાઓ પાસે મેદાન જ નથી.
રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યની 5000 જેટલી સ્કૂલો પાસે મેદાન નથી જ્યારે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ફક્ત 19 સ્કૂલો એવી છે કે જે મેદાન વિહોણી છે. બાકીની અન્ય સ્કૂલોની વાત કરીએ તો મોટાભાગની સ્કૂલો પાસે પોતાના જ મેદાનો કાર્યરત છે. જ્યારે ઘણી ખરી સ્કૂલો એવી છે કે જે આજુબાજુમાં આવેલા મેદાનોનો ભાડા પટ્ટામાં ઉપયોગ કરે છે. એટલે આમ જોવા જઈએ તો 27 જિલ્લા પૈકી રાજકોટ જિલ્લાની સ્કૂલો પાસે પુરતા પ્રમાણમાં મેદાનો કાર્યરત છે.