આખા ગુજરાતમાં કોઈ પોલીસ કમિશનર કે જીલ્લા પોલીસ વડા આવી કોઈ જ પ્રવૃત્તિ કરતા નથી માત્રને માત્ર રાજકોટમાં જ આ પ્રવૃતીઓ રાજકોટ પોલીસ કમિશનર અને જીલ્લા પોલીસ વડા જ કરી રહ્યા છે: કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે સમયગાળામાં એક રાજકીય પાર્ટીની જેમ કાર્યકરોની જ્ઞાતિ અંગે આંતરિક સર્વે કરાવનાર રાજકોટ પોલીસે હવે મતદાનને થોડાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બુથ અંગે સર્વે શરૂ કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે કર્યો છે.

આ બન્ને આગેવાનોએ એક નિવેદનમાં કહ્યું છે કે, રાજકોટ પોલીસ ભાજપની પીઠઠું હોવાની ભૂમિકા ભજવી રહી છે અને બુથ સર્વે કરવી રહી છે. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પણ રાજકોટ પોલીસ રાજકારણીઓના ઈશારે કામ કરી રહી છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જેવી સ્થિતિ રહી નથી અને પ્રજા અસલામતીનો અનુભવ કરી રહી છે. હત્યા, અપહરણ અને ચિતી જેવાં બનાવો રોજિંદા બની ગયા છે. સૌથી મોટી શરમજનક બાબત તો એ છે કે હત્યા જેવા સંગીન બનાવોમાં ખુદ પોલીસની સંડોવણી જોવા મળી  રહી છે.

અશોક ડાંગર અને મહેશ રાજપુતે કહ્યું છે કે, ભાજપ રાજકોટમાં હાર ભાળી ગયો છે અને તેથી પોલીસ તંત્ર જેવી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી બુથનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ગત ચૂંટણીમાં કયા બુથ ઉપરથી કોંગ્રેસને લીડ મળી હતી તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આવો સર્વે ભાજપ કે અન્ય પક્ષો ધ્વારા થાય તો સમજી શકાય પણ રાજકોટમાં તો પોલીસ આવી આંતરિક સર્વે કરાવી રહી છે.

આસર્વેમાં જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો, એ.એ.આઈ અને અન્ય સ્ટાફને જોતરી દેવામાં આવ્યો છે. ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બપોરે ૪ વાગ્યે અધિકારીઓની બેઠક બોલાવીને આવો આંતરિક સર્વે કરવા સૂચના આપી હતી.આ આદેશના આધારે પોલીસનો ઘણો ખરો સ્ટાફ  આવા સર્વેમાં વ્યસ્ત હોવાને કારણે પ્રજાને રામ ભરોસે મૂકી દેવામાં આવી છે.

રાજકોટના પોલીસ કમિશનર ભાજપની કઠપૂતળી જેવા છે તેમ જણાવતા આ આગેવાનોએ તો ત્યાં સુધી કહ્યું છે કે, મુખ્યમંત્રી પોલીસ અધિકારીને કોઈ પ્રકારના આદેશ આપે તો સમજી શકાય પણ રાજકોટમાં તો મુખ્યમંત્રીના ધર્મપત્ની પોલીસ કમિશનરને આદેશ આપે છે અને પોલીસ કમિશનર પણ જાણે કે તેમના પાળેલા પોમેરિયન હોય તેવી રીતે ફરજ બજાવી રહ્યા છે.

રાજકોટ પોલીસ જો ખરેખર શહેરની જનતા પ્રત્યે જવાબદાર હોય તો આવા રાજકારણીઓની ચાપલુસી બંધ કરીને તેમની સુખાકારી માટે ફરજ બજાવવી જોઈએ. પોલીસ જો આમ નહીં કરે તો પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે.જરૂર પડ્યે પોલીસ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવુંઅશોકભાઈ ડાંગર અને મહેશભાઈ રાજપૂતની સંયુક્ત અખબારી યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.