લાઈનીંગ–નાલા–પુલીયા રીપેરીંગ– ડેમ કેનાલની સાફ–સફાઈ–માટીકામ સહિતના કામોનો ધમધમાટ
ચોમાસા પૂર્વે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આવેલા સિંચાઈ ખાતા હસ્તકના જુદા જુદા ડેમોમાં દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી જ પ્રિ-મોન્સુન એક્ટિવીટી અંતર્ગત ડેમોનું સમારકામ, સાફ સફાઈ, કેનાલ રીપેરીંગ તેમજ કેનાલ સફાઈ અને ડેમના દરવાજા અને પાટીયાને કલરકામ તેમજ ઓઈલીંગ, ગ્રીસીંગ સહિતના જુદા જુદા કામોની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના સૌરાષ્ટ્રના જુદા જુદા ડેમો ઉપર પણ ઉપરોકત પ્રકારના કામોનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હોવાનું સિંચાઈ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળના અમુક ડેમો ઉપર કામ શરૂ થઈ ગયા છે ત્યારે અમુક ડેમોના કામો માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે. મળતી વધુ વિગતો મુજબ રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ કુલ ૬૧ જેટલા ડેમો આવેલા છે. આ ૬૧ પૈકી ૩૨ ડેમો ઉપર હાલ ડેમ સેફટી સહિતના નાના-મોટા કામો શરૂ થઈ ગયા છે. આ અંગેની સિંચાઈ ખાતાના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના આજી-૩ ડેમ ઉપર ટૂંક સમયમાં જ ડેમ સેફટી અને દરવાજા તથા પાટીને કલરકામ સહિતના કામો હાથ ધરાનાર છે. આ માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આ જ રીતે રાજકોટ સિંચાઈ વર્તુળના શિંગોળા વેણુ-૨ ડેમ, મછુન્દ્રી ડેમ અને રાવલ ડેમ ઉપર પણ કલર કામ તથા ડેમ સેફટી સહિતના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
દરમિયાન સિંચાઈ ખાતાના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જુદી જુદી સિંચાઈ યોજનાઓ જેવી કે, ભાદર-૧, આજી-૨, આજી-૩, શિંગોળા, વઢવાણ ભોગાવો, વેણુ-૨ અને રાવલ સહિતના સિંચાઈ યોજનાના ડેમો ઉપર હાલમાં બંધ સુરક્ષા, નહેર સુધારણા તેમજ સહભાગી સિંચાઈ વ્યવસ્થાને અંદાજે રૂ.૮૩૦ લાખના કામો ચાલી રહ્યાં છે. આ કામો જુદી જુદી મુદત માટે કરવામાં આવી રહ્યાં છે.
એવી પણ વિગતો સાપડી રહી છે કે, રાજકોટ સિંચાઈ વર્તુળના ૬૧ પૈકી ૩૨ જેટલા નાના-મોટા ડેમોમાં લાઈનીંગ, સીડી વર્ક, નાલા-પુલીયા રીપેરીંગ તેમજ ડેમ સેફટી અંતર્ગત પાળાની મરામત, ગેઈટોની મરામત, ઓઈલીંગ-ગ્રીસીંગ અને દરવાજા તથા પાટીયાને કલરકામ સહિતના કામો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત સહભાગી સિંચાઈ યોજના અંતર્ગત કેનાલોના રીપેરીંગ સાફ-સફાઈ તેમજ માટીકામની કામગીરી પણ કરવામાં આવી રહી છે.