શહેરના કોરોના વિદાય ભણી હતો ત્યારે એક સાથે બે કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ: વધુ કેસો મળશે તો બન્ને વિસ્તારોને ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરાશે
રાજકોટમાં કોરોના સંપૂર્ણપણે વિદાય લેવા તરફ હતો માત્ર એક જ એક્ટિવ કેસ હતો ત્યારે ગઈકાલે એક સાથે બે-બે કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. શહેરના ચંદ્રપાર્ક સોસાયટી અને પર્ણકુટિર સોસાયટીમાં કોરોનાના બે કેસો મળી આવતા આજે સવારથી આ વિસ્તારોમાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ બન્ને દર્દીઓના ઘરને હાલ ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠલ રાખવામાં આવ્યા છે. જો વધુ કેસો આ વિસ્તારમાંથી મળી આવશે તો તેને ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા ઘણા દિવસથી શહેરમાં કોરોનાના કેસ મળતા ન હતા. છેલ્લે 1 કેસ એક્ટિવ હોય કોરોના લગભગ વિદાય લેવા ભણી આગળ વધી રહ્યો હતો ત્યારે ગઈકાલે બપોરબાદ શહેરના પર્ણકુટિર સોસાયટી અને ચંદ્રપાર્ક વિસ્તારમાંથી બે કેસો મળી આવ્યા હતા. જેમાં 68 વર્ષના પુરૂષ અમદાવાદથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેઓએ કોરોનાની વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હતો. જ્યારે અન્ય એક 66 વર્ષની મહિલા પણ સંક્રમીત થયા છે જેઓએ બન્ને ડોઝ લઈ લીધા હોવા છતાં તેઓ કોરોનાના શિકાર બન્યા છે. હાલ બન્ને દર્દીને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જે વિસ્તારમાંથી કોરોનાના કેસ મળી આવ્યા છે ત્યાં કોર્પોરેશન દ્વારા સઘન ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ બન્ને દર્દીઓના ઘરોને રાખવામાં આવ્યા છે.
જો આ વિસ્તારમાંથી વધુ કેસો મળી આવશે તો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ જે વિસ્તારને કોરોના કારણે ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય ત્યાં શેરી ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવતી નથી.