આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ દ્રારા રાજકોટ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ4 અને અર્બન હેલ્થ સેન્ટરો-9, સબસેન્ટરો-344 અને તેમના સેજાના 610 ગામોમાં જુન-2021 માસની મેલેરીયા માસ તરીકે કરાનારી ઉજવણી અંતર્ગત મેલેરીયા, ચિકનગુનીયા અને ડેંન્ગ્યુ અંગેની સધન કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તેના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્રારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્રારા મેલેરીયા, ચિકનગુનીયા અને ડેંન્ગ્યુના કેસો શોધી તેમના લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે.
વધુ સારવાર માટે જરૂર જણાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મોકલવામાં આવે છે. તેમજ સાથે સાથે જે ઘરોની મુલાકાત લેવાતી હોય ત્યા ઇન્ટ્રાડોમેસ્ટીક બિડીંગ પ્લેસોની પણ તપાસ કરવામાં આવે છે. અને તપાસ દરમ્યાન જો કોઇ પાત્રમાં પોરા જોવા મળે તો તેવા પાત્રોને ખાલી કરાવી શકાય તેમ ન હોય તેવા પાત્રોમાં કેરોસીન અથવા ટેમીફોસ નામની દવા યોગ્ય માત્રામાં નાખવામાં આવે છે. ગામની ફેરણી દરમ્યાન ગામની આજુ બાજુ આવેલ નદી તળાવ કુવા વોંકળા કેનાલોની સીપેજ તેમજ વરસાદી પાણીથી ભરાયેલ ખાડા ખાબોચી યામાં પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી/ અથવા ડાયફલુબેન્જોરોન નામની દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવે છે. જે ગામોમાં અગાઉના વર્ષે ડેન્ગ્યુ/ચિકન ગુનીયાના કેસો નોંધાયેલ હોય તેવા ગામોમાં અઠવાડીક ધોરણે સુપરવિઝન હેઠળ સઘન એન્ટીલાર્વા કામગીરી કરવાનું પ્લાનીંગ પણ કરવામાં આવેલ છે.
આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા દરેક ઘરોની મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહયુ છે. અને જન જાગૃતિ માટે ફરતો રથ, લોક ડાયરાઓ દ્વારા રાજકોટ જિલ્લાના 11 તાલુકાના હાઇરીસ્ક ગામોમાં પ્રચાર-પ્રસાર અર્થે આઇ.ઇ.સી કામગીરી કરવામાં આવે છે. અને જાહેર જગ્યાઓ પર પોસ્ટરો બેનરો ડિસ્પ્લે કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના 3 હાઇરીસ્ક ગામોમાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ છે. આ રોગ મચ્છરજન્ય છે. ચોખ્ખા બંધિયાર પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેથી આ વિશે જનજાગૃતિ કરવામાં આવે છે.
લોકોએ પાણી ભરવાના વાસણો, ટાંકીઓ નિયમિત સાફ કરી સુકવીને પછી ફરીથી ભરવા જોઇએ,તેને હવાચુસ્ત કપડાથી કે ઢાંકણાથી બંધ રાખવા જોઇએ. ટાયર, નકામા ડબા, ખાલી વાસણોમાં પાણી ન ભરાવા દેવું, ખાડા ખાબોચીયાનુ પાણી વહેતુ કરી દેવુ,મોટા ખાડામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવી, પુરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, દવાવાળી મચ્છરદાનીમાં સુવુ, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, લીમડાનો ધુમાડો કરવો, વગેરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહયુ છે. મેલેરિયાની મફત અસરકારક દવા આરોગ્ય કર્મચારીઓ પાસે ઉપલબ્ધ છે, તેથી તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક સાધી, તેમને લોહીનો નમુનો આપી, તેમની સુચના મુજબ સારવાર કરવા દરેકને અપીલ છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ પી. શાહ, જિલ્લા મેલેરિયા અધિકારી જી.પી.ઉપાધ્યાય અને તેમની ટીમ આ કામગીરી સંભાળી રહયા છે.