ધાણાજીરામાં કલર અને સ્ટાર્ચની ભેળસેળ: હળદરમાં હેવી મેટલ્સની હાજરી મળી આવી, સીંગતેલમાં વધુ માત્રામાં આયોડીન જણાતા નમુના ફેઈલ
ફરાળી ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે 20 વેપારીઓને ત્યાંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રસીકભાઈ ચેવડાવાળા સહિત ચાર જગ્યાએથી ખાદ્ય સામગ્રીના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાલાવડ રોડ પર મોટામવામાં સીતારામ પાર્ક સોસાયટીમાં અમૃત ફ્રૂટસમાંથી ફરાળી કુકીઝ, શાસ્ત્રીનગર સામે બાલાજી એન્ટરપ્રાઈઝ (સેલ પોઈન્ટ સુપર માર્કેટ)માંથી ગાય છાપ રાજગરાનો લોટ, લીમડા ચોકમાં રસીકભાઈ ચેવાડાવાળાને ત્યાંથી ફરાળી પેટીસ, પંચનાથ મંદિર પાસે જોકર ગાઠીયામાંથી ફરાળી પેટીસના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અગાઉ આરોગ્ય શાખા સંલગન ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટીંગ યાર્ડમાં ગીરીરાજ એન્ટરપ્રાઈઝમાંથી રંગોલી બ્રાન્ડ ધાણાજીરાનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં કલર અને સ્ટાર્ચની હાજરી મળી આવતા નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો અને પ્રકાશભાઈ પ્રવિણભાઈ આભાણીને રૂા.1.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંથી લેવાયેલા હળદર પાવડરમાં એવી મેટલ્સની હાજરી જણાતા રૂા.1.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જૂના માર્કેટીંગ યાર્ડમાં જય ખોડીયાર ટ્રેડર્સમાંથી મહાલક્ષ્મી ગ્રાઉન્ડ નટ ઓઈલનો નમુનો લેવાયો હતો. જેમાં આયોડીનનું પ્રમાણ વધુ માત્રામાં માલુમ પડતા નમુનો મીસ બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યો હતો અને વેપારી સમીરભાઈ મોરાણીને રૂા.65000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફરાળી વાનગીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે લીમડા ચોક, રૈયા રોડ, કોટેચા ચોક, જાગનાથ પ્લોટ, અમીન માર્ગ, યુનિ. રોડ, નાના મવા રોડ, વિદ્યાનગર રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં 20 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.