પેટિયું રડવા આવેલા પરિવારના બાળકના આકસ્મિક મોતથી અરેરાટી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદનો માહોલ જામતા વીજશોક અને પાણીમાં ગરકાવના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઇ કાલે શહેરના રૈયાધાર વિસ્તારમાં ઉત્તરપ્રદેશથી પેટિયું રડવા આવેલા પરિવારના માસુમ પુત્રને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના મહંમદ હાકીમ શેખ પેટિયું રડવા માટે આવ્યા છે. ગઇ કાલે તેમનો 5 વર્ષનો માસૂમ પુત્ર મહમદ ફરાન રમતા રમતા થાંભલા પાસે વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું.આ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક બાળકના પિતા પાણીપુરીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક બે બહેન અને એક ભાઇમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.