રસ્તામાં કપાતમાં ગયેલી જમીન મેળવવા ખેડુતે દબાણ કરતા શેઢા પાડોશીએ દાદ માંગી’તી
શહેરના રેલનગર વિસ્તારની કરોડોની કિંમતની મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કે દબાણ ન કરવા કોર્ટે કાયમી મનાઇ હુકમ કર્યો છે. કેસની વિગત એવી છે કે, વાદી મનુભાઈ વિરજીભાઇ વેકરીયા તથા ભીમજીભાઈ વિરજીભાઈ વેકરીયાની માલિકીની કબ્જા વાળી રાજકોટના રે.સ.નં. 591 પૈકી 4 તથા પ91 પૈકી 5 ની ખેડવાણ જમીન હેકટર આરે ચો.મી. 1-41-64 આવેલ છે. ગોવિંદભાઇ નાથાભાઇ સીતાપરા વિગેરેની રે.સ.નં. પ1 પૈકી ખેડવાણ જમીન આવેલ હતી. જે મિલકત પ્રતિવાદીઓએ 1994-95 અરસામાં બિન ખેતી કરાવી 0-16 ગુંઠા જમીન રાજકોટ મનપમાં કબુલાતનામુ આપી જમીન રોડમાં જતી કરી હતી.
આ જમીન કમી કરી સરકાર ખાતે દાખલ કરવામાં આવેલ, જે નોંધ પ્રતિવાદીઓએ કયારેય ચેલેન્જ કરી નહોતી. જોકે બાદમાં કપાત થયેલ જમીનની વારસાઇ એન્ટ્રી દાખલ કરી હતી. પ્રતિવાદીઓએ રોડ કપાતમાં આપેલ જમીન સરકાર સામે દાવો દાખલ કરી એક તરફી મનાઇહુકમ માટે માંગણી કરી હતી. પરંતુ કોર્ટે મનાઇ હુકમ આપેલ નહી. ત્યારબાદ આ પ્રતિવાદીઓએ પોતાની જમીનના શેઢે આવેલી વાદી મનુભાઈ તથા ભીમજીભાઈની ખેતીની જમીન પર ગેર કાયદે દબાણ કરવા પ્રયત્ન કર્યો અને ચેતવણી બોર્ડ મુકેલા.
જેથી પ્રતિવાદીઓ દ્વારા વાદીની મિલકતમાં ગેર કાયદેસર પ્રવેશ અને દબાણ કરવાનો બદઇરાદો દેખાતા વાદીએ પ્રતિવાદીઓ સામે કાયમી મનાઇ હુકમ માટે દાવો દાખલ કર્યો હતો. દાવો કોર્ટમાં ચાલતા વાદીના વકીલ દ્વારા કરાયેલી દલીલો ધ્યાને લઈ સિનિયર સિવિલ જજ એમ.જે. બ્રહ્મભટ્ટ દ્વારા વાદીનો દાવો મંજુર કરી પ્રતિવાદીઓને ગેર કાયદેસર દબાણ ન કરવા કાયમી મનાઇ હુકમ આપ્યો છે. આ દાવામાં વાદી તરફે વકીલ વી.પી. પટેલ, સંદિપભાઈ વેકરીયા, દિનેશભાઇ પરસાણા, ભરતભાઇ નાગરેચા, કિશન પટેલ, કેવલ પુરોહિત, અંકુર લીંબાસીયા, જય રંગાણી રોકાયેલા હતા.