વોર્ડ નં.12માં નવું ઈન્ડોર સ્ટેડિયમ બનાવવા બજેટમાં 6 કરોડની માતબર જોગવાઈ: બોલબાલા માર્ગ પર સદ્ગુરૂ રણછોડદાસજી કોમ્યુનિટી હોલની બાજુમાં આવેલા પ્લોટમાં અદ્યતન ઓડિટોરીયમ બનાવવાની પણ જાહેરાત
હાલ શહેરમાં માત્ર રેસકોર્સ સંકુલમાં છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી ઈન્ડોર સ્ટેડિંમ કાર્યરત છે. શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12 કે જે મેયર ડો.પ્રદિપભાઈ ડવનો મત વિસ્તાર છે ત્યાં નવું ઈન્ડોર સ્ટેડિંયમ બનાવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે 6 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. વોર્ડનં.14માં નવું ઓડિટોરીયમ બનાવવાની પણ ઘોષણા બજેટમાં કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ શહેરના રેસકોર્સ સંકુલમાં મહાપાલિકા સચાલીત એકમાત્ર ઈન્ડોર સ્ટેન્ડિંયમ આવેલ છે. જેમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, બેડમીન્ટન સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેનો હજારો અબાલ અને વૃદ્ધો નિયમીત લાભ લઈ રહ્યાં છે. શહેરમાં ખેલકુદની પ્રવૃતિને ઉત્તેજન મળે અને શહેરીજનોની તંદુરસ્ત જળવાય તેવા હેતુ સાથે શહેરના વોર્ડ નં.12માં અદ્યતન સુવિધા સાથે ઈન્ડોર સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે બજેટમાં 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલ સેન્ટ્રલ ઝોનમાં અરવિંદભાઈ મણીયાર હોલ, પૂર્વ ઝોનમાં અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ અને પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમની સુવિધા ઉપલબ્ધ શહેરીજનોને સાંસ્કૃતિક, સામાજીક અને મનોરંજક કાર્યક્રમ યોજવા તથા માણવા માટે આધુનિક સુવિધાસભર ઓડિટોરીયમ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વોર્ડ નં.14માં બોલબાલા માર્ગ પર આવેલા સદ્ગુરુ રણછોડદાસજી કોમ્યુનિટી હોલ પાસે આવેલા વિશાળ અદ્યતન ઓડિટોરીયમ બનાવવામાં આવશે આ માટે બજેટમાં 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.