ઉઝબેકિસ્તાનમાં એસસીઓ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન : રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે પણ કરી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમરકંદ શિખર બેઠકમાં સભ્ય દેશોને લવચીક સપ્લાય ચેઈન સ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું.અને એકબીજાને ટ્રાન્ઝિટ રાઈટ આપવા ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં તેઓએ કહ્યું કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમારા લોકો-કેન્દ્રિત વિકાસ મોડેલમાં ટેક્નોલોજીના ન્યાયપૂર્ણ ઉપયોગ પર મજબૂત ફોકસ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યુગ યુદ્ધનો નથી. પીએમ મોદીએ કહ્યું કે મેં તમારી સાથે આ મુદ્દે વાત કરી છે. આજે આપણે શાંતિના માર્ગ પર કેવી રીતે આગળ વધવું તેના પર વાત કરવા માંગીએ છીએ. ભારત અને રશિયા ઘણા દાયકાઓથી સાથે છે. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે હું યુક્રેન સંઘર્ષ પર તમારી સ્થિતિ જાણું છું. હું તમારી ચિંતા સમજું છું. અમે ઈચ્છીએ છીએ કે આ કટોકટી વહેલી તકે સમાપ્ત થાય. પરંતુ અન્ય પક્ષ – યુક્રેન, તેઓ સંવાદ પ્રક્રિયામાં સામેલ થવા માંગતા નથી. તેઓ કહે છે કે તેઓ યુદ્ધના મેદાનમાં પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. આ અંગેની સમગ્ર પ્રવૃતિ વિશે અમે તમને માહિતગાર રાખીશું.
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે અફઘાન સહિતના મુદ્દે ચર્ચા
વડાપ્રધાન મોદીએ એસસીઓ સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી વચ્ચેની પ્રથમ મુલાકાત ફળદાયી રહી.” થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી. તેઓએ અફઘાનિસ્તાન સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર પણ ચર્ચા કરી હતી.બંને વચ્ચે અફઘાનિસ્તાન મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ સાથે બેઠક, સંબંધો આગળ વધારવાની પહેલ
એસસીઓ સમિટ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. ખુદ એર્દોગને પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા હતા.વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું કે બંને નેતાઓએ બેઠક દરમિયાન અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ ફળદાયી ચર્ચા કરી.