સિંચાઇથી વંચિત નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે નળકાંઠાના 3ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી. તદઅનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રીની આ બેઠક અને તેમની ભલામણની ફલશ્રુતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.
આ કિસાન હિતલક્ષી નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત 11 ગામોના 1700 ખેડૂતોની 941પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે.
આ 111 ગામોમાં નળકાંઠાના ર1 ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ 3ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા 11 ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં તાજેતરના ભૂતકાળમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વ્યક્ત થયેલી લાગણીની ફલશ્રુતિ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે હવે નળકાંઠાના તમામ એટલે કે 3ર ‘નો સોર્સ વિલેજ’ને નર્મદા યોજનાના પિયત ખેડૂતોને જે ધોરણે પાણી મળે છે તે ધોરણે સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ અમિતભાઇ શાહે ધરતીપુત્રોની સિંચાઇ માટે પાણીની સમસ્યાઓનો સુચારૂ નિવેડો લાવી હવે, નળકાંઠા સહિતના ખારીકટ-ફતેવાડી પિયત વિસ્તારના ગામોને નર્મદાનું જળ ખેતીવાડી અને સિંચાઇ માટે ઉપલબ્ધ બનાવવાનો ખેડૂત હિતકારી ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.