ગોંડલ રોડ ચોકડીએ બ્રિજ બની રહ્યો હોય સ્વાતી મેઇન રોડ પર ભારે વાહનોની અવર-જવરના કારણે રસ્તાની હાલત બિસ્માર, લોકો વિફર્યા
ગોંડલ રોડ ચોકડી ખાતે હાલ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. વોર્ડ નં.18માં સ્વાતિ મેઇન રોડથી સાંઇબાબા સર્કલ સુધી સતત ભારે વાહનોની અવરજવરના કારણે રસ્તાની હાલત અતિ બિસ્માર થઇ જવા પામી છે. વારંવાર રજૂઆત કરી ત્રાહિમામ પોકારી ગયેલા વોર્ડ નં.18ના લોકોએ આજે ચક્કાજામ સર્જી દેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગોંડલ રોડ ચોકડીએ ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાના કારણે અમદાવાદથી પોરબંદર તરફ જતા તમામ વાહનો હાલ સ્વાતિ મેઇન રોડ પરથી પસાર થાય છે. જેના કારણે રસ્તો ખૂબ જ ખરાબ થઇ ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી ન હોય લોકોએ આજે ચક્કાજામ કર્યું હતું. બીજી તરફ કોર્પોરેશન દ્વારા એવો
દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્વાતિ મેઇન રોડથી સાંઇબાબા સર્કલ સુધીનો અંદાજે 900 મીટરના રસ્તા પર મેટલીંગ સહિતનું કામ કરી રસ્તો વાહન ચાલકો માટે સારો કરી દેવામાં આવ્યો છે. ડામર કરવાની માંગણી લોકો કરી રહ્યા છે. પરંતુ તેનો ખર્ચ 6 કરોડથી પણ વધુ થાય તેમ હોય તંત્ર દ્વારા આ કામ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. છતાં લોકો વારંવાર વિરોધાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે.