રાજકોટમાં રવિવારનો દિવસ ભારે ગોઝારો રહ્યો હતો. રંગીલા રાજકોટ વાસીઓ સમી સાંજે મસ્તીમાં હતા ત્યારે સર્વેશ્વર ચોક પાસે સંતોષ ભેળ પરના વોકળાનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેના પર ઊભા રહેલા ૧૦-૧૨ જેટલા લોકો નીચે ખાબક્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાએ સારવારમાં દમ તોડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

રવિવારે સંતોષ ભેળ પાસેના વોકળાનો સ્લેબ તૂટતાં ૧૨ લોકો ઘવાયા’તા: એકનું મોત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ પર અંબિકા પાર્કમાં રહેતા ભાવનાબેન અશ્વિનભાઈ ઠક્કર નામના ૬૧ વર્ષના વૃદ્ધાનું સર્વેશ્વર ચોક વોકળાનો સ્લેબ ધરાશાઈ થતાં ગંભીર રીતે ઘવાયા બાદ સારવારમાં દમ તોડયો હતો. વૃદ્ધાના મોત બાદ પરિવારમાં આક્રંદ છવાયો છે. આ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભાવનાબેન ઠક્કર પોતાના પરિવાર સાથે રવિવારે સાંજના સમયે સર્વેશ્વર ચોકમાં વોકળા પર આવેલા સંતોષ ભેળ પાસે આવેલી દીપ સેન્ડવીચ ખાતે પરિવારજનો સાથે નાસ્તો કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક જ વોકળાનું સ્લેબ ધરાશાઈ થતાં ભાવનાબેન સહિત અનેક લોકો નીચે ખાબક્યા હતા. જેઓને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ભાવનાબેનની તબિયત નાજુક જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સારવારમાં વૃદ્ધાએ દમ તોડયો હતો. આખરે સર્વેશ્વર ચોકની ગોઝારી ઘટનામાં એકનો જીવ લેવાતા ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.