દારૂ અને રિક્ષા મળી રૂપિયા 5.93 લાખનો મુદામાલ કબ્જે
શહેરના નવા થોરાળા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂા.5.27 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી દારૂની હેરાફેરી કરતી રિક્ષા કબ્જે કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા રામનગરમાં રહેતા શબ્બીર ઉર્ફેં બોદુ સતાર ઓડીયા અને ભવાની ચોકના તૌફિક જાવીદ કાસમણી નામના શખ્સો નવા થોરાળા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ, અમિતકુમાર, કિરતસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.5.27 લાખની કિંમતની વિદેશી દારૂની નાની અને મોટી 3000 બોટલ દારૂ સાથે બંનેની ધરપકડ કરી તેની પાસેથી રૂા.50 હજારની કિંમતની રિક્ષા અને ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે. શબ્બીર ઉર્ફે બોદુ સતાર પીંજારા અને તૌફિક જાવીદ કાસમણીએ વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને ડીલીવરી આપવાની હતી તે અંગેની વિશેષ પૂછપરછ માટે બંને શખ્સોને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.
નવરાત્રી પર્વ પહેલા વિદેશી દારૂનો જંગી જથ્થો બંને બુટલેગરોએ મગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે નવરાત્રી પર્વમાં દારૂનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસ બાજ નજર રાખી રહી હોવાથી બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે.