રસ્તા અને સામાજીક સેવાઓ માટે રૂ.8 કરોડ, ડ્રેનેજ માટે 11 કરોડ અને પાણી વિતરણ વ્યવસ્થા માટે રૂ.53 કરોડની બજેટમાં કરાઈ જોગવાઈ
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા ગામોના વિકાસ માટે બજેટમાં રૂા.100 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને પાણીના કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર અને માધાપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર ગામો શહેરમાં ભળતા રાજકોટનું ક્ષેત્રફળ હવે 161.86 ચો.કિલોમીટરનું થયું છે. વસ્તી અને વિસ્તારોમાં થયેલા વધારાથી રાજકોટ મહાપાલિકા પર વધુ જવાબદારી આવી છે. નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજના કામોને અગ્રતા આપવામાં આવશે જેના માટે રસ્તા તથા સામાજીક સેવાઓ માટે 8 કરોડ, ડ્રેનેજ સેવાઓ માટે 11 કરોડ, પાણી વિતરણ સેવાઓ માટે રૂા.53 કરોડ સહિત કુલ 72 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા ભળેલા વિસ્તારોમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1માં ઘંટેશ્ર્વર અને વોર્ડ નં.9માં મુંજકા જયારે વોર્ડ નં.11માં મોટામવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં નાના-મોટા ટીપીના રોડના રસ્તાઓની કામગીરી માટે 2 કરોડની ફાળવણી આગામી વર્ષમાં કરવામાં આવી છે. નવા ભળેલા વિસ્તારોના લોકોને ટેન્કરોથી પાણી વિતરણ કરવાના બદલે પોતાના ઘરમાં નળ વાટે જ પીવાનું પાણી મળી રહે તે માટે પાઈપલાઈન બિછાવવાનું પણ આયોજન કરવામાં આવશે.
ઘંટેશ્ર્વર વિસ્તારમાં હયાત વોટર પાઈપલાઈન નેટવર્કમાં સુધારો કરાશે. મુંજકામાં ટીટોડીયાપરા તથા આવાસ યોજના માટે 300 એમએમ ડાયાથી લઈ 100 એમએમ ડાયાની ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવશે. આ ઉપરાંત મુંજકાના અન્ય વિસ્તારોમાં પણ ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. જયારે વોર્ડ નં.11માં મોટામવામાં 100 એમએમ ડાયાથી 400 એમએમ ડાયાની ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરાશે જેના માટે રૂા.23.57 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પીવાના પાણીની સુવિધાઓની સાથો સાથ વપરાશી પાણીના નિકાલ માટે વર્તમાન ઓપન ગટર અને પાઈપ ગટરની વ્યવસ્થાના સ્થાને નવા ભળેલા વિસ્તારોમાં ક્રમશ: ડ્રેનેજ પાઈપલાઈન બિછાવવામાં આવશે જેમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1માં ઘંટેશ્ર્વર વિસ્તાર, વોર્ડ નં.3માં મુંજકા વિસ્તાર અને વોર્ડ નં.11માં મોટામવા વિસ્તાર ભળ્યો છે તેમાં ડ્રેનેજ વિભાગ અંતર્ગત હયાત નેટવર્કને સ્થાનિક કક્ષાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો હતો જેનો ગંદા પાણીનો નિકાલ વોકળામાં કરવામાં આવે છે હવે જયાં અપગ્રેશનની જરૂરીયાત હોય નવા વિસ્તારમાં નવું ભુગર્ભ નેટવર્ક ઉભુ કરવા માટે રૂા.9.15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કોર્પોરેશનની હદમાં ભળેલા વિસ્તારો વિકાસથી વંચિત ન રહી જાય તે માટેનું આયોજન મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રથમ વર્ષે જ આ તમામ વિસ્તારો માટે બજેટમાં માતબર જોગવાઈ કરવામાં આવી છે.