ટોળુ એકઠું થતા એક પિસ્તોલ ફેંકી દીધી અને બીજી ગન કાઢી ટોળાને ડરાવવાનો પ્રયાસ: ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સમાધાન કરાવવા કર્યો પ્રયાસ
શહેરના રામનાથપરા ચોક ખાતે વર્ષોથી યોજાતી ગરૂડની પ્રાચીન ગરબીના સ્થળે ટ્રાફિક જામ થવાના પ્રશ્ર્ને મહિલા પીઆઇના પતિએ ગન કાઢી સિન સપાટા કર્યા બાદ ટોળુ એકઠું થઇ જતા ગન ફેંકી દીદી હતી. તેમ છતાં ટોળુ રોષે ભરાયું હતું અને ઉગ્ર જીભાજોડી કરતા મહિલા પીઆઇના પતિએ બીજી ગન કાઢી ડરાવવાનો પ્રયાસ કર્યાની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી સમગ્ર ઘટના અંગે સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા.
બે દિવસ પહેલાં જ પ્રાચીન અને અર્વાચીન ગરબીના આયોજકો સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મિટીંગ યોજી ટ્રાફિક વ્યવસ્થા અને કાયોદ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.
નવરાત્રીને આડે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ગરૂડની ગરબીના આયોજકો મંડપનું ફિટીંગ કરી રહ્યા હોવાથી ત્યાં ટ્રાફિક જામ થયો હતો ત્યારે જી.જે.12ડીએચ 7202 નંબરના એક્ટિવા પર એક શખ્સ ઘસી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવવા પોતાની પાસે રહેલી ગન કાઢી સિન સપાટા કર્યા હતા.
એક્ટિવા ચાલકે ગન કાઢતા રામનાથપરા ચોકમાં ટોળે ટોળા એકઠાં થઇ જતાં એક્ટિવા ચાલકે પોતાની પાસે રહેલી ગન ફેંકી દીધી હોવાનું અને મામલો થાળે પાડવા પ્રયાસ કરતા ટોળુ વધુ ઉશ્કેરાયું હોવાથી એક્ટિવા ચાલકે પોતાની પાસે રહેલી બીજી ગન કાઢી હતી તે રમકડાની હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ગરૂડની ગરબીના સ્થળે બે ગન કાઢી સિન સપાટા કરતા શખ્સ અંગેની કોઇએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને એક્ટિવા ચાલકની પૂછપરછ કરતા તે મહિલા પીઆઇ શેરગીલના પતિ જસમત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેની પાસે રહેલી બંને ગન રમકડાની છે કે, પરવાનાવાળી અને રમકડાની તે અંગે તપાસ થઇ રહી છે. અને બંને પક્ષે સમાધાનના પ્રયાસો થઇ રહ્યા છે.