રાજકોટ : રેલવે ડબલ લાઈન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદનની પ્રક્રિયામાં
કુલ 13 ગામોની 21 હેકટર જમીનનું સંપાદન : પડધરી અને તરઘડીના એવોર્ડ જાહેર કરવાના બાકી : તા.24ના હડમતીયા, તા. 25ના ચણોલ (મોટી) તા.28ના ખંઢેરી ગામના ખેડૂતોને એવોર્ડ ચૂકવવા માટે બોલાવાયા
રેલવે ડબલ લાઈન પ્રોજેકટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા આગામી 31મી સુધીમાં આટોપી લેવા તંત્ર કમર કસી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 11 ગામની જમીન માટે 3.24 કરોડના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 7 ગામની જમીનના એવોર્ડનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ-કાનાલુસ રેલ્વે ડબલિંગ પ્રોજેક્ટ માટે કુલ 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 13 ગામોની 156 ખાતેદારોની 21.50 હેક્ટર ખાનગી જમીન તેમજ 23.14 હેક્ટર સરકારી જમીન ઉપયોગમાં લેવાશે. આ સંપાદનની પ્રક્રિયા ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.
જમીન સંપાદનમાં 13 ગામમાંથી 11 ગામના એવોર્ડ જાહેર કરી દેવાયા છે. જેમાં માધાપર -1.59 લાખ, ઘંટેશ્વર – 25.49 લાખ, પરાપીપળીયા – 63.62 લાખ, નારણકા – નિલ, વણપરી – 12.43 લાખ, ચણોલ – 12.32 લાખ, જોધપર છલ્લા – 10.86 લાખ, હડમતીયા – 31.65 લાખ, મોવૈયા – 1.11લાખ, ખંઢેરી – 1.28 કરોડ, રામપર -37.19 લાખ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાંથી 7 ગામોના ખેડૂતોને એવોર્ડની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.
પડધરી અને તરઘડી એવોર્ડ જાહેર કરવામાં બાકી રહ્યા છે.31 ઓગસ્ટ સુધીમાં તે પણ પુરા થઈ જશે. હવે તા.24ના હડમતીયા, તા. 25ના ચણોલ મોટી, તા.28ના ખંઢેરી ગામના ખેડૂતોને એવોર્ડ ચૂકવવા માટે બોલાવાયા છે.111 કિલોમીટરના આ રેલવે ડબલીંગ પ્રોજેક્ટમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોના સમાવેશ થાય છે.
આ રેલવે ડબલ લાઈનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જવાથી પેસેન્જરનો પ્રવાસનો સમય બે થી ત્રણ કલાક સુધીનો ઓછો થશે તેમ જ લાઈન પર આવતી જતી માલગાડીઓ પણ ખૂબ જ ઓછા સમયમાં માલની હેરફેર કરી શકશે.