30 આખા મકાનો અને 44 મકાનોના આંશિક બાંધકામો તોડી 14000 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ
અબતક, રાજકોટ
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.18માં કોઠારિયામાં પીરવાડી મેઇન રોડ પર 20 મીટરનો ટીપી રોડ ખૂલ્લો કરવવા આજે સવારે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. 30 આખા મકાનો અને 44 મકાનોના આંશિક બાંધકામ તોડી 14000 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. હવે આ રસ્તો નેશનલ હાઇવેથી શરૂ થતા અને 24 મીટરના રોડને જોડશે.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.18માં સમાવિષ્ટ પ્રિલીમીનરી ટીપી સ્કીમ નં.12 (કોઠારિયા)ને રાજ્ય સરકાર દ્વારા તા.13/07/2018 થી પ્રારભિંક મંજૂરી આપવામાં આવી છે. જેના અમલીકરણના ભાગરૂપે ધી ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976ની કલમ હેઠળ તમામ અસરગ્રસ્તોને નોટીસ આપવામાં આવી હતી. 8 મહિના પૂર્વે ટીપીનો રોડ ખૂલ્લો કરાવવા માટે નોટીસ અપાયા બાદ કોરોનાની બીજી લહેર ત્રાટકતાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ ચોમાસાની સિઝન શરૂ થઇ જતાં ડીમોલીશન થઇ શક્યુ ન હતું. આ અંતર્ગત સ્થાનિકોએ સ્વેચ્છાએ ડીમોલીશન અને ગેસ કનેક્શન કપાત કરવા સહિતની પ્રક્રિયા કરી લીધી હતી.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશ બાદ આજે સવારે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેકેન્ડ રીંગ રોડ નેશનલ હાઇવેથી શરૂ થતાં અને 24 મીટરના ટીપી રોડને જોડતા પીરવાડી વિસ્તારની પૂર્વે આવેલા 20 મીટર ટીપી રોડ પર ગેરકાયદે ખડકાયેલા 74 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
જેમાં 30 આખા મકાનો અને 44 મકાનોના આંશિક બાંધકામ દૂર કરવામાં આવ્યા હતાં. બપોર સુધીમાં 60 જેટલા મકાનોનું ડીમોલીશન પૂર્ણ કરી દેવાયું હતું. દરમિયાન જે મકાનો કટ્ટર સહિતની મશિનરીની આવશ્યકતા રહે છે ત્યાં સાંજ સુધીમાં ડીમોલીશનની કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ચુસ્ત પોલીસ અને વીજીલન્સ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હોય, કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.