Abtak Media Google News

રાજકોટ કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ખાતે નવો સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે આગામી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઇ જાય તેવી શક્યતા જણાઇ રહી છે. આ પ્લાન્ટનું કામ પૂર્ણ થયા બાદ શહેરી વિસ્તારમાં બાંધકામ વેસ્ટના નિકાલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. જો કોઇ બિલ્ડર દ્વારા આડેધડ બાંધકામ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે તો બિલ્ડીંગ પરમીશન પ્લાન કેન્સલ કરવામાં આવશે. તેવું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું છે.

નાકરાવાડી ખાતે સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટનું કામ પૂર્ણ થતા જ બાંધકામ વેસ્ટ માટે નવા નિયમોની અમલવારી શરૂ કરાશે: મ્યુનિ.કમિશનર

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બાંધકામ વેસ્ટનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાની વર્ષો જૂની સમસ્યાના નિકાલ હવે હાથવેંતમાં છે. નાકરાવાડી ખાતે સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે છે. જે કાર્યરત થતાની સાથે જ બાંધકામ વેસ્ટના નિકાલ માટે કેટલાક નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે. હાલ બાંધકામ વેસ્ટનો કોઇ પણ સ્થળે નિકાલ કરવામાં આવે છે. મુખ્યત્વે આજી નદીમાં વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાના કારણે નદીમાં પાણી નિકાલ સહિતની સમસ્યા સર્જાય છે. ખૂલ્લા પ્લોટ પર બાંધકામ વેસ્ટથી છલકાઇ જાય છે. પ્લાન્ટ ચાલુ થયા બાદ બાંધકામ પ્લાન મંજૂરી માટે કેટલાક નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે. જે નિયમનો ભંગ કરનાર સામે બિલ્ડીંગ પ્લાન કેન્સલ કરવા સહિતની આકરી જોગવાઇ કરવામાં આવશે.

રખડતા ઢોર પર હવે સીસીટીવી કેમેરાથી બાજ નજર

ગત 1લી જાન્યુઆરીથી માલિકી જગ્યા ન હોય અથવા પરમીટ કે લાયસન્સ ન હોય તેવા ઢોરને કોર્પોરેશનની હદમાં રાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનું માલૂમ પડ્યું છે. હવે સીસીટીવી કેમેરાની મદદથી રખડતા ઢોર પર બાજ નજર રાખવામાં આવશે. અમૂક વિસ્તારોમાં ચોક્કસ સમયે ઢોર છૂટા મૂકી દેવામાં આવે છે ત્યારબાદ તેને બાંધી દેવામાં આવતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. અહિં સીસીટીવીની વોંચ ગોઠવવામાં આવશે. જો પરમીટ નહિ હોય તો આવા ઢોરને છોડવામાં આવશે નહિં.

મોટા મવામાં નવું ફાયર સ્ટેશન બનાવાશે

કનક રોડ અને બેડીપરાના જૂના ફાયર સ્ટેશનને રિ-ડેવલપ કરાશે

કોર્પોરેશનનો વ્યાપ સતત વધી રહ્યો છે. આસપાસના ગામો મહાપાલિકાની હદમાં ભળી રહ્યા છે. આવામાં આપાતકાલિન વ્યવસ્થાને સજ્જડ બનાવવા માટે મોટા મવા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આગામી બજેટમાં આ અંગે જોગવાઇ કરવામાં આવશે. બીજી તરફ વાવડી અને જામનગર રોડ પર નવું ફાયર સ્ટેશન બનાવવા માટે પણ સર્વે હાથ ધરવામાં આવશે. કનક રોડ અને બેડીપરા ફાયર સ્ટેશનના બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત થઇ ગયા છે. તેના સ્થાને હવે નવા બિલ્ડીંગ બનાવવામાં આવશે. ટૂંક સમયમાં આ અંગે ઘોષણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.