- ફાયર બ્રિગેડ સ્ટાફે ટ્રકની બોડીમાં ફસાયેલા ચાલક-ક્લીનરને મહામહેનતે બહાર કાઢ્યા: વહેલી સવારે અકસ્માતને પગલે ટ્રાફિકજામ
રાજકોટ-કુવાડવા ધોરીમાર્ગ પર આવેલા મેંગો માર્કેટ પાસે વહેલી સવારે બંધ આઇસર ટ્રક પાછળ આઇસર ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અક્સમાતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા દોડી જઇ ટ્રાફીક ક્લીયર કરાવી અકસ્માતમાં ફસાયેલા ટ્રકના ચાલક અને ક્લીનરને બચાવવા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે મહામહેનતે બંનેને બચાવ્યા હતા. પોલીસે કાગળો કરી કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવ શક્તિ ઓટો ગેરેજની સામે વહેલી સવારે જીજે3જીએ-1792 નંબરના આઇસર ટ્રકની પાછળ જીજે03બીયુ-3746 નંબરના આઇસર ટ્રક ધડાકા ભેર અથડાયું હતું. અકસ્માતને પગલે ટ્રાફીક જામ થતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી ગયો હતો. પોલીસ સ્ટાફે ટ્રાફીક ક્લીયર કરાવ્યો હતો.
ગમખ્વાર અકસ્માતમાં આઇસરના ચાલક-ક્લીનર કેબીનમાં ફસાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી જઇ કટ્ટર વડે તોડી ટ્રકના ચાલક મહિપાલસિંહ રાજપૂત અને કંડક્ટર સુખદેવસિંહ રાજપૂતનો બચાવ કર્યો હતો. સામાન્ય ઇજા પહોંચતા બંનેને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના લક્ષ્મણભાઇ, ભીખાભાઇ, અભયસિંહ હાડા, શાહરૂખ ખાન, મુકેશભાઇ અને અરવિંદભાઇ સહિતના સ્ટાફે ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી મોટી જાનહાનિ ટળી હતી.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. નુકશાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે.