રાજકોટના કુવાડવા રોડ પર મધરાત્રે રાજાપાઠમાં પાંચ શખસોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી શર્ટ ફાડી નાખ્યા.રામદેવ ડાંગર સહિત પાંચ શખ્સો સામે ફરજમાં રૂકાવટ, કરફર્યુ ભંગ અને નશો કરવા અંગેનો ગુનો નોંધાયો: ધરપકડ
કોરોનાની મહામારીને નાથવા માટે સરકાર અશરકારક પગલા લઈ રાજયના આઠ મહાનગરોમાં રાત્રી કફર્યું લગાવી દીધો છે. ત્યારે રાજકોટમાં મોડીરાત્રે કુવાડવા રોડ ડી માર્ટ પાસે દારૂની પાર્ટી કરી શહેરમા પ્રવેશ કરી રહેલા પાંચ શખ્સોને પોલીસે અટકાવતા મને ઓળખો છો ? તેમ કહી હું એક ફોન કરીને તમારા બધા પોલીસ વાળાના અત્યારે જ પટ્ટા -ટોપી ઉતરાવી દઈશ તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી એટલું જ નહી પોલીસ મથકે પણ નશાખોરોએ પોલીસના જવાનો સાથે ઝપાઝપી કરી કપડા ફાડી નાખતા પોલીસે પોતાના અસલ રંગ બતાવી પાંચેય નશાખોરોની ધરપકડ કરી ફરજમાં રૂકાવટ, કફર્યું ભંગ અને નશો કરવા અંગેના ગુના નોંધ્યા હતા.
આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બી.ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ વી.બી. કોડીયાતર, અજયભાઈ બસીયા સહિતનો સ્ટાફ ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુવાડવા રોડ ડી માર્ટ પાસે કર્ફયુભંગની કાર્યવાહી કરી રહ્યા હતા.આ વખતે નશાખોરમાં પાંચ શખ્સો નીકળતા પોલીસે તેમને અટકાવી નામ ઠામ પૂછતા કુવાડવા રોડ શ્રી રામપાર્કમાં રહેતા નામચીન રામદેવ લક્ષ્મણ ડાંગર ઉ.34, પડધરીના આણંદપર બાધીગામના વિક્રમભાઈ અજીતસિંહ રાઠોડ ઉ.37, ગોવિંદ પોપટભાઈ રાજપરા ઉ.42, નિરલ અજીતભાઈ પરમાર ઉ.26 અને જામનગર રોડ પરાશર પાર્કમાં રહેતા અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા ઉ.27ની અટકાયત કરી હતી.
રાજાપાઠમાં રહેલા પાંચેય શખ્સોએ પોલીસ પાર્ટી સાથે અસભ્ય વર્તન કરી વિક્રમ રાઠોડ નામના શખ્સે તમે મને પકડી શકો નહી તેમ કહી ગાળો બોલી ફોન કાઢી ધમકી આપેલ કે ‘હું એક ફોન કરીને તમારા અત્યારે જ બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી દઈશ’ તેવી મારી હેસીયત છે. તમે મને ઓળખો છો તેમ કહી માથાકૂટ કરી હતી.પરંતુ પોલીસ સ્ટાફે પનાંચેય શખ્સોની અટકાયત કરી પોલીસ સ્ટેશન કાર્યવાહી કરવા લઈ ગયા હતા ત્યારે પોલીસ મથકમાં પણ આરોપીઓએ મંડળી રચી પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ધકકા માર્યા હતા.બી.ડીવીઝન પોલીસે પાંચેય શખ્સો સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરી મંડળી રચવા અંગે તેમજ નશો કરવા અંગેનો અને કર્ફયુ ભંગનો અલગ અલગ ગુના દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.આ કાર્યવાહી પી.એસ. આઈ. બી.બી.કોડીયાતર, જમાદાર અજયભાઈ બસીયા સહિતના સ્ટાફે કરી હતી.