આપણા ધાર્મિક ગ્રંથ પ્રમાણે કળિયુગ પછી કલ્કિ અવતાર આવશે અને ત્યારબાદ સતયુગની શરૂઆત થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કળિયુગ ચાલી રહ્યું છે. કલ્કિ અવતાર એટલે કે આ યુગમાં ભગવાન કલ્કિનું રૂપ ધારણ કરી ધરતી પર અવતાર લેશે અને પાપીઓનો નષ્ટ કરી ધરતી પર સતની સ્થાપના કરશે. આતો થઇ ધાર્મિક વાતો પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે રાજકોટમાં એક પૂર્વ સરકારી કર્મચારીએ દાવો કર્યો કે તે કલ્કિ અવતાર છે. અહીં સુધી તો બધુ ઠીક પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી કે જો તને પગાર ચૂકવવામાં નહીં આવે તો દુષ્કાળ લાવી દેશે.
રાજકોટમાં રહેતા રમેશચંદ્ર એચ ફેફર જેઓ પૂર્વ અધિક્ષક ઇજનેર છે, તેઓએ જળસંપત્તિ વિભાગ અને નર્મદા જનસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું કે મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવવામાં આવે.
રમેશચંદ્રએ લખેલો પત્ર શબ્દશઃ ‘ઉપરોક્ત વિષય અન્વયે જય ભારત સાથ જણાવવાનું કે સરકાર સરોવર નર્મદા નિગમ પુનવર્સવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરો રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે અને આ રીતે કોરોનાકાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે…’
‘હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા વીસ વર્ષ થયા સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલ નથી. છેલ્લા વીસ વરસના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડોનો ફાયદો થયેલ છે. તેમ છતા મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણીનો વરસાદ અને બરફ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલે…’
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રહેતા રમેશચંદ્ર ફેફર અગાઉ પણ કલ્કિ અવતારને લીધે ચર્ચામાં આવી ચૂક્યા છે. સૌપ્રથમ તેઓએ પોતાને કલ્કિ અવતાર હોવાનો દાવો કરી ભારે ચર્ચા જગાવી હતી. જે તે સમયે સરકાર દ્વારા તેઓને આ મામલે નોટિસ ફટકારી ખુલાસો આપવા સુધીના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર સરકારને લખેલા પત્રને લઇને તેઓ ચર્ચામાં આવ્યા છે.