શહેરના જામનગર રોડ પર આઇઓસીના ડેપો નજીકથી હત્યા કરાયેલી પ્રૌઢની લાશ મળવાના મામલામાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રૌઢની યુવાન પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ ધરાવતા તેના પ્રેમીએ જ પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. પોલીસે હત્યારા બિહારી શખ્સને ઝડપી લીધો હતો. આઇઓસી ડેપો નજીકથી ગત તા.4ના બપોરે અજાણ્યા પ્રૌઢની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધડાકો થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

મૃતક માધાપરના ઇશ્વરિયાપાર્કમાં રહેતા અને દરજી કામ કરતાં સાગરભાઇ જમનાદાસ રાઠોડ (ઉ.વ.55) હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. પ્રૌઢની હત્યા કોણે અને શા માટે કરી તે બાબતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી. પ્રૌઢ સાગરભાઇની પત્ની સંગીતા મહારાષ્ટ્રના ધુલિયાની વતની છે અને તેની ઉંમર 35 વર્ષની છે, પતિ-પત્નીની ઉંમરનો ગેપ જોતા પોલીસે સાગરભાઇ અને તેની પત્ની સાથેના સંબંધો પર તપાસ કેન્દ્રિત કરતાં સંગીતાને તેના પતિ સાગરભાઇના મિત્ર સંજય ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.

IMG 20210512 WA0036

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જોગરાણા સહિતની ટીમે સંજય ઉર્ફે બિહારીને મંગળવારે ઉઠાવી લીધો હતો. સંજય ઉર્ફે બિહારીએ હત્યાની કબૂલાત આપી હતી, સંજયે કેફિયત આપી હતી કે, સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં સાગરભાઇ આડખીલીરૂપ બનતો હોવાથી તેને પતાવી દીધો હતો. સાગરભાઇની હત્યા કર્યા બાદ સંજયે તેની પ્રેમિકાને કહ્યું હતું કે, તારા પતિને કામે લગાડી દીધો છે, જોકે પ્રેમીની આ વાતથી તેણે હત્યા કર્યા અંગેનો તેને ખ્યાલ નહીં હોવાનું સંગીતાએ પોલીસ સમક્ષ રટણ રટ્યું હતું.સાગરભાઇ અને આરોપી સંજય ઉર્ફે બિહારી વર્ષોથી મિત્રો હતો અને સંજય વારંવાર તેના મિત્રના ઘરે જતો હતો, તા.3ની રાત્રીના સંજયે મિત્ર સાગરભાઇને દારૂ પીવડાવ્યો હતો અને નશાની હાલતમાં તેને આઇઓસી ડેપો પાસે લઇ જઇ ત્યાં માથા, નાક અને ગુપ્તભાગ પર પથ્થર મારી પ્રૌઢને પતાવી દીધા ની કબુલાત આપી હતી.

સંગીતા રામાપીર ચોકડી પાસે ઘરકામ કરવા આવતી ત્યારે તે સંજય ઉર્ફે છોટીયો દેવેન્દ્ર પાસવાનના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સંગીતાની ઉમર 35 વર્ષની હતી જ્યારે તેના પતિ સંજય રાઠોડની ઉમર 55 વર્ષ હોવાથી બંને વચ્ચે ઉમરના મોટા તફાવતના કારણે સંગીતા તેના પ્રેમી સંજય પાસવાનથી વધુ નજીક આવી હતી.

સંજય પાસવાને પણ સંગીતા સાથે સંબંધો વધારવા માટે સાગર રાઠોડ સાથે મિત્રતા કેળવી અવાર નવાર ઘરે જતો હોવાની સંજય પાસવાને કબુલાત આપી છે. સાગર રાઠોડનો લોક ડાઉનના કારણે દરજી કામનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી સંજય પાસવાન જ તમામ ખર્ચ આપતો હતો. સંગીતા અને સંજય પાસવાન ઘણા લાંબા સમયથી પતિ-પત્નીની જેમ રહેતા હોવાથી તેનો પતિ સંજય આડખીલીરૂપ બનતો હોવાથી ગત તા.3ના રોજ સાગર રાઠોડને જામનગર રોડ પર આઇઓસી પાસે અવાવરૂ જગ્યાએ લઇ જઇ પથ્થરના ઘા મારી હત્યા કર્યાની તેમજ સંગીતાને હત્યા કર્યાની જાણ કરી બિહાર જતા રહેવા જણાવ્યું હતું. તેમજ સાગર રાઠોડની હત્યા અંગે કોઇને કહીશ તો તારૂ પણ ખૂન કરી નાખીશ તેવી ધમકી દીધી હોવાથી સંગીતાએ પોતાનો પતિ સાગર રાઠોડની હત્યાની પોલીસને જાણ ન કરી માત્ર તે ગુમ થયા અંગેની પોલીસમાં નોંધ કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.