પત્નીની શહેરમાં રહેવાની જીદને લઈ અવારનવાર માથાકૂટ થતી’તી: પતિએ વખ ઘોળ્યું
શહેરમાં રહેવાની તાલાવેલીએ અનેક પરિવારોના માળા પિખી નાખ્યાં છે. તેવો જ એક બનાવ રાજકોટના બારવણ ગામે સામે આવ્યો છે. જેમાં પતિએ ગામડે અને પત્નીએ શહેરમાં રહેવાની જીદ કરતા બંને વચ્ચે બોલાચાલી થતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ તાલુકાના બારવણ ગામે રહેતા નારણભાઈ ચોખાભાઈ તલાવડીયા નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં બારવણ ગામે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતો. ત્યારે તેને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક નારણભાઈ તલાવડીયા ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાનો અને ખેતી કામ કરતો હતો. એકાદ વર્ષ પૂર્વે જ રાજકોટમાં આવેલા હુડકો વિસ્તારમાં રહેતી ક્રિષ્નાબેન સાથે લગ્ન થયા હતા. પત્ની ક્રિષ્નાબેન રાજકોટ રહેવા માટે જીદ કરતી હતી. જે બાબતે નારાયણ તલાવડીયા અને ક્રિષ્નાબેન વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી અને છેલ્લા 15 દિવસથી દંપતિ રાજકોટ રહેવા માટે આવ્યું હતું.
જે દરમિયાન નારાયણ તલાવડીયાને તાવ ચડતા તે માતાજીને પગે લાગવા ગયો હતો. ત્યારે પત્નીની શહેરમાં રહેવાની જીદ અને પતિની ગામડે રહેવાની જીદમાં બંને વચ્ચે બોલાચાલી થતા નારણ તલાવડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.