પાચ માસ પહેલા રહેવા આવેલા દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

કોહવાયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથધરી

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી દેખાઈ રહી છે. ત્યારે ફરી એકવાર કોઠારીયા સોલવન્ટ ઇન્ડસ્ટ્રી એરિયામાં એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં પતિએ કારખાનાની ઓરડીમાં પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ આદરી છે. તો બીજી તરફ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસે સરદાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કાંગારુ કારખાનાની ઓરડીમાં અતિ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી તુરંત આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઓરડીમાં તપાસ કરતા એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહની ઓળખ મેળવવા ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મહિલાને ઘણા સમય પહેલા જ મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ હતું. પોલીસે પાડોશીઓની પૂછતાછ કરતા દંપતી પાચ માસ પહેલા અહીંયા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પતિ કાંગારુ કારખાનામાં મજૂરી કામ કરતો હોવાથી તેની ઓરડીમાં રહેતા હતા. પરંતુ કારખાના દ્વારા પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે કોઈ આધાર પુરાવા લીધા ન હોવાથી દંપતિનું નામ જાણવા મળ્યું ન હતું.

આજીડેમ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો હતો. પાડોશીની પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ દંપતી પરપ્રાંતીય હતું અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હોવાનુ સામે આવ્યું છે. તો બીજી તરફ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.