500થી વધુ લોકો દ્વારા આવેદન પત્ર અપાયું: સૂત્રોચ્ચાર પોકાર્યાં
વાલ્મિકી સમાજના લોકોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી રાજકોટ કામદાર યુનિયન દ્વારા સફાઇ કામદારોની ભરતી કરવાની માંગ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે 700 જેટલા સફાઇ કામદારોની ભરતી કરવાની માંગણી સાથે સિવિલ હોસ્પિટલ ચોકથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજે બપોરે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બંધારણના ધડવૈયા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ચોકથી લઇ કોર્પોરેશનની કચેરી સુધી રોષપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. જેમાં 500થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.
કોર્પોરેશન પરિસરમાં સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ સાથે અને સફાઇ કામદારોની કાયમી ભરતી કરવાની માંગણી સાથે રાજકોટ કામદાર યુનિયન દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.