કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી “તકેદારી સમિતિની બેઠક” ભુપતભાઇ બોદરે કાર્યોને ઝડપથી ઉકેલવા સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની “તકેદારી સમિતિની બેઠક” કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલી હતી.
તકેદારી સમિતિની બેઠકમાં વિવિધ યોજનાઓની સમિક્ષા અને સુચનો કરતા ભૂપત બોદર
NFSA કાર્ડનો લાભ દિવ્યાંગો, ગંગાસ્વરૂપ બહેનો, વૃદ્વા પેંશનરો અને બાંધકામ શ્રમિકોને મળી શકે તે માટે સમીક્ષા કરવામાં આવી
આ બેઠકમાં સમિતિના સર્વે સભ્ય તેમજ સબંધિત અધિકારીઓ હાજર રહેલ હતા જેમાં રાજકોટથી તકેદારી સમિતિના સભ્ય ભુપતભાઇ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ) તેમજ પુરવઠા અધિકારી પૂજાબેન બાવળા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયેલા હતા. આ બેઠકમાં ગત મિટિંગની કાર્યવાહી અંગે તેમજ બેઠકના એજન્ડા મુજબ વિડિયો કોન્ફરન્સ યોજાયેલી હતી. બેઠકની કાર્યવાહી દરમ્યાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કરાયેલી વિતરણની કામગીરીની જાણકારી આપવામાં આવેલ હતી.
એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ અંતર્ગત મળેલ ફરિયાદોનું નિવારણ, બાકી ફરિયાદોની જિલ્લાવાર પરિસ્થિતિ તેમજ વાજબી ભાવની દુકાનોની તથા કુલ તપાસોના પત્રકોની સમીક્ષા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વાજબી ભાવની દુકાનના નવા પરવાના મંજૂર તથા રીન્યુ કરવા, ચાર્જમાં ચાલતી દુકાનો માટે નવા જાહેરનામા બહાર પાડવા તેમજ જિલ્લાવાર બંધ પડેલ દુકાનોને પુન:ચાલુ કરવા બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી.
વર્ષ 2020-2021 દરમ્યાન રાજ્યના એનએફએસએ કાર્ડ ધારકોની 1 કિલો તુવેરદાળ યોજના તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ એનએફએસએ કાર્ડ ધારકોને વર્ષમાં 2 વખત જન્માષ્ટમી તથા દીપાવલીના તહેવારો દરમ્યાન 1 લીટર તેલના વિતરણની જાણકારી આપવામાં આવી અને સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત એનએફએસએ કાર્ડ ધારકોના પરિવારના ભાગલા પડે ત્યારે નવું એનએફએસએ કાર્ડ જ મળે અને આ કાર્ડનો લાભ (1) દિવ્યાંગો (2) ગંગાસ્વરૂપ બહેનો (3) વૃદ્વા પેંશનરો તથા (4) બાંધકામ શ્રમિકોને પણ મળી શકે તે માટે યોગ્ય કરવા જાણકારી અને સમીક્ષા કરવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ક્રાંતિકારી યોજના “વન નેશન વન રેશનકાર્ડ” યોગના અંતર્ગત કોઇપણ રેશનકાર્ડ ધારક સમગ્ર રાજ્યમાં પોતાના અંગુઠાની છાપની ઓળખનો ઉ5યોગ કરી રાશન મેળવી શકશે જેનો મુખ્ય ફાયદો શ્રમિક કામદારો (માઇગ્રન્ટ લેબર) અને જ્યાં લઘુ ઉદ્યોગો છે ત્યાં થશે તેની જાણકારી અને સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી. આ ઉપરાંત વાજબી ભાગની દુકાનો અંગે તેમજ અન્ય તમામ બાબતો જેવી કે રીન્યુઅલ વગેરે ઓનલાઇન જ કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી જેથી પારદર્શકતા સાથે અરજદારને પણ પોતાની અરજીના સ્ટેટ્સનો ખ્યાલ આવે.
કોરોના કાળમાં અવસાન પામેલ વાજબી ભાવના દુકાનદારના વારસાઇ નોંધણી કામગીરી તેમજ સરકાર દ્વારા કોરોના વોરિયર અંગેની જાહેર કરેલ 25 લાખની સહાય તાકીદથી પૂર્ણ કરવા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સૂચનાઓ આપેલ હતી અને ભૂપતભાઇ બોદરે પણ કાર્યોને ઝડપથી આગળ વધારવા માટે સબંધિત અધિકારીઓને યોગ્ય કરવા કહ્યું હતું.