સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓના મૃત્યુ બાદ તેમની સાથે રહેલો માલ-સામાન તેમના સગા-સંબંધીઓને પરત કરવામાં તંત્રમાં ગુચવાડો ઉભો થયો છે. મોબાઇલ અને સોનાના ઘરેણા સહિતની ચીજ વસ્તુ મૃતકના સગાને મળે તે માટેની તકેદારી રાખવાના કારણે લાંબો સમય થાય છે.
કોરોના પોઝિટીવ દર્દીના મૃત્યુ બાદ તેમના સગા સંબંધીઓ તેમની અંતિમ સંસ્કાર સહિતની ધાર્મિક વિધીમાં વ્યસ્ત અને પરિવારના સ્વજન ગુમાવતા શોકના વાતાવરણના કારણે તેઓ પોતાના સગા પાસે રહેલા મોબાઇલ અને સોનાના ઘરેણા પરત મેળવવામાં વિલંબ કરતા હોય છે.
કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓના મોત થતા હોવાથી તેમની પાસે રહેલા મોબાઇલ અને ઘરેણા સહિતની ચીજ વસ્તુઓ વોર્ડ બોય દ્વારા સિવિલ હોસ્પિટલના જવાબદાર પાસે જમા કરાવવામાં આવ્યા છે. દાખલ સમયે નોંધાવેલી કેસ ફાઇલમાં મોબાઇલ નંબર લખાવ્યો હોય છે જેના આધારે મૃતકના સગા-સંબંધીઓની હોસ્પિટલના સતાધિશો દ્વારા સંપર્ક કરવામાં આવે છે. કયાકે નંબર લખવામાં ભુલ થઇ હોય ત્યારે કિંમતી માલ-સામાન પરત કરવામાં ગુચવાડો ઉભો થાય છે.
બીજી તરફ મૃતકના સગા-સંબંધીઓ દ્વારા હોસ્પિટલે પહોચી પોતાની ચિજ વસ્તુ પરત મેળવવા માટે માથાકૂટ કરતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે. મૃતકના સગાઓ દ્વારા ટોળા સ્વરૂપે પોતાની ચિજ વસ્તુ પરત મેળવવા હોસ્પિટલે પહોચી આક્ષેપ કરવામાં આવતા હોય છે.