ટીબીના વધતા કેસ મામલે કાલે બેઠક, રાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવેની કામગીરીના પણ રિવ્યુ લેવાશે
અબતક, રાજકોટ : હીરાસર એરપોર્ટના કામોની સમીક્ષા માટે આજે જિલ્લા કલેકટરની હાજરીમાં બપોર બાદ બેઠક મળી હતી. આ ઉપરાંત આવતીકાલે ટીબીના વધતા કેસ અંગે પણ કલેકટર બેઠક યોજવાના હોવાની સાથે રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેની કામગીરીના રિવ્યુ પણ લેવાના હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ એરપોર્ટમાં પાણીનું વહેણ બાધારૂપ બન્યું હોય રન વે નીચેથી કોઝવે નીકળે તેવી ડીઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે ફાઇનલ ડિઝાઇન દિલ્હીથી તૈયાર થવાની છે. બીજી તરફ આજે બપોર બાદ આ એરપોર્ટના કામની સમીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની હાજરીમાં સમીક્ષા બેઠક મળવાની હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં પંચાયત, ઇરીગેશન અને નેશનલ હાઇવે સહિતના સંબંધિત વિભાગોમાંથી અધિકારીઓ હાજર રહેવાના છે.
વધુમાં રાજકોટ જિલ્લામાં હાલ ચોપડે ટીબીના 14 કેસો છે. પરંતુ ઓફ ધ રેકોર્ડ કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જિલ્લા કલેકટરની હાજરીમાં ટીબી અંગે આવતીકાલે બેઠક યોજાવાની છે. આ ઉપરાંત રાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં રાજકોટ – બામણબોર સુધીનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાની બુમરાળ ઉઠી છે. જેને કારણે જિલ્લા કલેકટર આ કામનો રિવ્યુ પણ લેવાના હોવાનું જાણવા મળ્યું છે.