પતિ ચા બનાવવા જતા દીવાસળી સળગાવતા જ ભડકો થયો: પત્નિ બચાવવા જતા બંને સારવાર અર્થે ખસેડાયા
રાજકોટ શહેરમાં પેડક રોડ પર મકાનમાં ગેસ લીકેજ થતા દંપતી દઝ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પતિ સવારે ચા બનાવવા જતા દીવાસળી સળગાવતા જ આગ ભભુકી ઉઠી હતી. પત્નિ બચાવવા જતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પેડક રોડ પર આવેલા ગાંધી સ્મૃતિ મારુતિ મધરલેન્ડ સ્કૂલની સામેની શેરીમાં ચામુંડા પ્રોવિઝન સ્ટોર સામે રહેતા સંજયભાઈ જયંતીભાઈ સિતાપરા (ઉ.વ.50) અને તેમના પત્ની (ઉ.વ.48) બંને વહેલી સવારે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સંજયભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેથી વહેલી સવારે ચા બનાવવા જતા દીવાસળી સળગાવતા જ એકાએક આગ ભભુકી ઉઠી હતી.
જેમાં સંજયભાઈ આગની લપેટમાં આવતા રાડો નાખતા પત્ની ગીતાબેન તેમને બચાવવા દોડી જતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં બંને આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગતાં ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ હતી.
ગેસની લાઈન રીપેરીંગ કરનારા કોન્ટ્રાકટરની શંકાસ્પદ કામગીરી
પેડક રોડ પર ગેસની લાઈન લીકેજ થતા આગ લાગતા દંપતી ગંભીર રીતે દાઝી ગયું છે. પરંતુ ગુજરાત ગેસ દ્વારા લાઇનની ચકાસણી અને રીપેરીંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ આ કોન્ટ્રાકટરો જાણે શોભાના ગાઠિયા સમાન હોય તેવી શંકા ઉપજી રહી છે. ગેસની લાઈન ચેકીંગ માટે અપાતા કોન્ટ્રાકટરના માણસો ચેકીંગ માટેના સામાન્ય ચાર્જ વસૂલે છે. જેમાં તેઓને કઈ વડતું ન હોવાથી ગેસની લાઈન ચેક કરવા આવતા માણસો જ લાઈન લીકેજ કરી તેને રિપેર કરવા માટે તગડો ચાર્જ વસૂલતા હોવાનુ સામે આવ્યું છે. પેડક રોડ પરના બનાવમાં પણ આવા કોઈ કોન્ટ્રાકટરના માણસોએ જ લીકેજ રાખી દીધાની શંકા સેવાઇ રહી છે.