ટીપી સ્કિમ નં.4 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નંબર-407ની 5388 ચો.મી.નો હોસ્પિટલ હેતુ માટે અનામત પ્લોટનું કોમર્શિયલ સેલ માટે હેતુફેર કરવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં નામંજૂર કરાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 19મી જાન્યુઆરીના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર હોસ્પિટલ હેતુ માટેનો અનામત પ્લોટ કોમર્શિયલ સેલ હેતુ માટે હેતુફેર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેની સામે વિરોધપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવતા અને શહેરીજનોમાં પણ વિરોધના શૂર ઉઠતા અંતે ભાજપના શાસકોએ હોસ્પિટલ માટેના પ્લોટનું હેતુફેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડીંગની સામે આવેલો ટીપી સ્કિમ નં.4 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં.407નો 5388 ચો.મી.નો પ્લોટ રૈયા નગર પાલિકા દ્વારા જ્યારે ટીપી સ્કિમ બનાવવામાં આવી ત્યારે હોસ્પિટલ હેતુ માટે અનામત રાખવામાં આવ્યો હતો. રૈયા-1998માં રાજકોટ મહાનગર પાલિકામાં ભળી જતાં મહાપાલિકાને આ પ્લોટ મળ્યો હતો.
છેલ્લાં 24 વર્ષ દરમિયાન આ પ્લોટ ખરીદવા માટે કોઇ હોસ્પિટલ દ્વારા રસ દાખવવામાં આવ્યો ન હોય હોસ્પિટલ હેતુ માટેના આ પ્લોટ વાણિજ્ય વેચાણ હેતુ માટે હેતુફેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીપી સમિતિ દ્વારા આ અંગે દરખાસ્ત મંજૂર કરી જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નિયમ મુજબ જો કોઇ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ટીપી સ્કિમમાં હોસ્પિટલ માટેનો અનામત રખાયેલો પ્લોટ ખરીદ કરવા ઇચ્છતી હોય તો તેને બજાર ભાવ કરતાં 50 ટકામાં પ્લોટ આપવામાં આવે છે.
પરંતુ આજ સુધી એકપણ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે આ માટે પૂછાણ કર્યું નથી. સાધુ વાસવાણી રોડ પર જમીનનો ભાવ ખૂબ જ ઉંચો હોય કોઇ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ આ પ્લોટ ખરીદી કરે તેવી શક્યતા દેખાતી નથી. હેતુફેર માટેની દરખાસ્ત આવ્યા બાદ વિરોધ ઉઠતાં હવે સાધુ વાસવાણી રોડ પર હોસ્પિટલ હેતુ માટેના અનામત પ્લોટનો હેતુફેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આગામી 19મીના રોજ મળનારી જનરલ બોર્ડમાં આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવશે. ભવિષ્યમાં સ્થિતિ જોઇ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
કોંગ્રેસે પાંચ વર્ષના શાસનમાં એક આરોગ્ય કેન્દ્ર પણ બનાવ્યું નથી: શાસકોનો જવાબ
હાલ મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 21 આરોગ્ય કેન્દ્ર અને 57 મહોલ્લા ક્લિનીક ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલ માટેના અનામત પ્લોટનું વાણિજ્ય વેચાણ માટે હેતુફેર કરવાના નિર્ણય સામે જે રીતે કોંગ્રેસના નેતાઓ વિરોધ કર્યો હતો તેનો જવાબ આપતાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે મહાપાલિકામાં 2000થી 2005 સુધી કોંગ્રેસ શાસન હતું ત્યારે તેઓએ એક સામાન્ય આરોગ્ય કેન્દ્ર પણ બનાવ્યું નથી અને હવે જ્યારે હોસ્પિટલ હેતુ માટેના પ્લોટની હેતુફેરની દરખાસ્ત આવી ત્યારે કોંગ્રેસના નેતાઓ એવી સલાહ આપી રહ્યા છે કે કોર્પોરેશને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવી જોઇએ. જ્યારે તમે સત્તામાં હતા ત્યારે એક આરોગ્ય કેન્દ્ર પણ ન બન્યું હવે ખોટી સલાહ આપવાનું બંધ કરો.